Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

ભારે વરસાદને પગલે નર્મદા ડેમના ૮ દરવાજાને ખોલાયા

૧.૨૩ લાખ ક્યુસેક પાણી છોડાતા ૨૩ ગામો એલર્ટ : ઉપરવાસમાંથી ૧૮૯૨૪૪ ક્યુસેક પાણીની આવક થઈ ગળતેશ્વર ૮, નાંદોદના ૧૩, તિલકવાડાના ૨ ગામ એલર્ટ

અમદાવાદ, તા.૧૧ : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ ૧૩૧.૬૫ મીટર ઉપર પહોંચી છે. જેને પગલે ફરી એકવાર નર્મદા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. પાણીની ભરપૂર આવક થતાં નર્મદા ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેને પગલે નર્મદાનું પાણી રાજયની વિવિધ કેનાલો અને સુજલામ સુફલામ કેનાલોમાં પણ વહેતુ જોવા મળ્યું હતું. પરિણામે, ખેડૂતઆલમમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. નર્મદા ડેમના ઉપરવાસમાંથી ૧,૮૯,૨૪૪ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે ડેમમાથી ૧.૨૩ લાખ ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. જેથી નર્મદા કાંઠાના ૨૩ ગામને એલર્ટ કરાયા છે. ગઇકાલે રાત્રે ૯ વાગે નર્મદા ડેમના ૪ ગેટ ખુલ્લા કરીને ૬૮,૦૨૮ ક્યૂસેક પાણી નર્મદામાં છોડાયું હતું.

          જો કે, ઉપરવાસમાંથી પાણીની આવક વધતા આજે સવારે ડેમના આઠ દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા અને નર્મદા ડેમમાંથી ૧.૨૩ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ છે, જેથી પાણીની આવકમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.નર્મદા ડેમના દરવાજા લાગ્યા બાદ સેફ્ટી માટે ૧૩૧ મીટરથી ઉપર નહીં ભરવા એનસીએની સૂચના છે. જેને પગલે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા કાંઠાના ૨૩ જેટલા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. એટલું જ નહી, સાવચેતીના ભાગરૂપે ટીમો પણ ગોઠવી દેવામાં આવી છે. બીજીબાજુ, હજુ પણ સૌરાષ્ટ્ર સહિતના રાજયના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરાઇ હોઇ તેમજ ઉપરવાસમાં પણ સતત સારો એવો વરસાદ અને આવક હોઇ નર્મદા ડેમમાં હજુ પણ પાણીની આવક ચાલુ રહી શકે છે.

(9:35 pm IST)