Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

શાહ આજે પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે શપથ લેશે

ગુજરાતમાં જસ્ટીસ શાહે ભારે લોકપ્રિયતા મેળવીઃ બિસ્માર રસ્તાઓ, ગેરકાયદે દબાણો, પાર્કિંગ સહિતના કેસોમાં સીમાચિહ્ન ચુકાદા આપીને શાહે ઈતિહાસ રચ્યો

અમદાવાદ, તા.૧૧: ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ અને બાહોશ ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહ આવતીકાલે બિહારની પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે વિધિવત્ શપથ ગ્રહણ કરશે. પટણાના રાજભવન ખાતે દરબાર હોલમાં સવારે ૧૧-૦૦ વાગ્યે યોજાનારા શપથવિધિ સમારંભમાં ગુજરાતના લોકોની અદ્ભુત લોકચાહના મેળવનારા અને ગુજરાતના ન્યાયતંત્રના ગૌરવસમા એવા આ વરિષ્ઠ ન્યાયમૂર્તિ એમ.આર.શાહને રાજયપાલ સત્યપાલ મલિક પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ પ્રસંગે જસ્ટિસ એમ.આર.શાહના પરિવારજનો, મિત્રવર્તુળ, પટણા હાઇકોર્ટ તેમ ગુજરાત હાઇકોર્ટ અને ન્યાયતંત્રના પદાધિકારીઓ સહિતના મહાનુભાવો ખાસ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા હોય કે બિસ્માર રસ્તાઓની વાત, સાદીક જમાલ એન્કાઉન્ટર કેસ હોય કે, પછી પ્રજાજનોના આરોગ્ય અને પ્રાથમિક બુનિયાદી સુવિધાઓની વાત હોય..અનેકવિધ બાબતોને લઇ ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહે અનેક સીમાચિહ્નરૂપ અને દૂરોગામી અસરો પાડનારા અતિ મહત્વના ચુકાદાઓ આપી સમગ્ર ન્યાયતંત્રમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું હતું અને ગુજરાત ન્યાયતંત્રમાં એક સોનેરી ઇતિહાસ રચ્યો હતો. ગત તા.૧૬-૫-૧૯૫૮ના રોજ જન્મેલા જસ્ટિસ એમ.આર.શાહે સને ૧૯૮૨માં ગુજરાત યુનિવર્સિટી ખાતેથી એલએલબી પૂર્ણ કર્યું હતું. તા.૧૯-૭-૧૯૮૨ના રોજ તેમણે ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત તરીકેની પ્રેકટીસ શરૂ કરી હતી. કાયદાક્ષેત્રના તેમના બહોળા અનુભવ અને બાહોશ રીતે કેસ ચલાવવાના તેમના આગવા અંદાજને લઇ કેન્દ્ર સરકારના એડિશનલ સ્ટેન્ડીંગ કાઉન્સેલ, સીબીઆઇના સ્પેશ્યલ કાઉન્સેલ તરીકે પણ તેઓ નીમાયા હતા. આ સિવાય વિવિધ મ્યુનિસિપાલિટી, નગરપાલિકાઓ, પંચાયતો, શૈક્ષણિક સંસ્થાઓ અને ઇન્શ્યોરન્સ કંપનીઓના કાઉન્સેલ તરીકે પણ તેમણે મહત્વપૂર્ણ સેવાઓ આપી હતી. જાહેરહિતને લગતી અને બંધારણીય મહત્વતા ધરાવતા સંખ્યાબંધ કેસો સફળતાપૂર્વક ચલાવ્યા બાદ આખરે તા.૭-૩-૨૦૦૪ના રોજ જસ્ટિસ એમ.આર.શાહની ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે મહત્વની નિમણૂંક કરવામાં આવી હતી અને તા.૨૨-૬-૨૦૦૫ના રોજ તેઓ હાઇકોર્ટના કાયમી જજ તરીકે નિયુકત થયા હતા. ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન તેમણે શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા, બિસ્માર અને તૂટેલા રસ્તાઓ, ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિતના રોગચાળો, સાદીક જમાલ એન્કાઉન્ટર કેસ સહિતના વિવિધ એન્કાઉન્ટર કેસ-અરજીઓ, ઇલેકશન મેટર્સ, સિવિલ સર્વિસીસ, લેબર લોઝ, બંધારણીય મુદ્દાઓને લગતા કેસો સહિતના સંખ્યાબંધ કેસોમાં અતિમહત્વના અને સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આપ્યા હતા. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં સરકારી સીસ્ટમ હોય કે અમ્યુકો તંત્રની વ્યવસ્થા તેને સુધારવામાં અને નાગરિકોની જાહેર સુખાકારી- આરોગ્યવિષયક સેવા માટે જસ્ટિસ એમ.આર.શાહના આ ચુકાદાઓ ઘણા જ ઉપયોગી અને આશીર્વાદસમાન બની રહ્યા છે. તાજેતરમાં શહેરમાં બિસ્માર રસ્તાઓ, આડેધડ પાર્કિંગ અને રખડતા ઢોરોની સમસ્યાને લઇ જસ્ટિસ એમ.આર.શાહે અમ્યુકો, પોલીસ તંત્ર સહિતના સત્તાધીશોને કરેલા અસરકારક નિર્દેશોનું જ પરિણામ છે કે, હાલ અમદાવાદ શહેર રાજયના મોટા શહેરોમાં ટ્રાફિક નિયમન, આડેધડ પાર્કિંગ, ગેરકાયદે બાંધકામો-દબાણો દૂર કરવા અંગે  અસરકારક ડ્રાઇવ ચાલી રહી છે. જસ્ટિસ એમ.આર.શાહના બાહોશીભર્યા અંદાજ અને જ્ઞાનસભર તેમ જ અભ્યાસુ ચુકાદાઓને લઇને માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશના ન્યાયતંત્રમાં તેમણે એક અનોખુ ઉદાહરણ અને પ્રેરણા પૂરા પાડયા છે. ગુજરાતના ન્યાયતંત્રમાં જસ્ટિસ એમ.આર.શાહે સોનેરી ઇતિહાસ રચી તેમની છબી યાદગાર બનાવી દીધી છે. ગુજરાતભરના લોકોમાં આટલી બધી લોકપ્રિયતા અને અદ્ભુત લોકચાહના મેળવનાર તેઓ એકમાત્ર જજ છે.

(8:39 pm IST)