Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ગેંગરેપમાં સત્ય શું? આઇજીપી મનોજ શશીધરે રચેલ મહિલા એસપી ઉષા રાડાની આગેવાની હેઠળની ખાસ ટીમ દ્વારા દોડધામ

સંતરામપુરમાં હત્યાની આરોપી યુવતી દ્વારા પોલીસ સામે ગેંગરેપની સનસનાટીભરી ફરીયાદઃ મે મહિનાની ઘટનાની ફરીયાદ ૪ માસ બાદ કેમ થઇ? : પુછપરછ દરમ્યાન સાથેનો મહિલા સ્ટાફ કોના હુકમથી દુર કરાયેલ? ડીવાયએસપી વી.એમ. ચૌહાણ અને એક પીઆઇ દ્વારા ફરીયાદી યુવતી-આરોપીઓના નિવેદનો નોંધવાનો ભારે ધમધમાટ

રાજકોટ, તા., ૧૧: હત્યાના આરોપમાં પકડાયેલી મહિલાએ, હત્યાના મામલાની તપાસ કરતી પોલીસ ટીમના પોલીસમેનો સામે ગેંગરેપનો આરોપ મુકતા જ પોલીસ તંત્રના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દોડતા થવા સાથે આરોપ મુકનારી યુવતી તથા જેમની સામે આરોપ મુકાયા છે તેવા પોલીસ સ્ટાફના નિવેદનો નોંધવા માટે પંચમહાલ જીલ્લાના અનુભવી રેન્જ વડા મનોજ શશીધરના તાકીદના આદેશના પગલે મહિસાગરના એસપી ઉષા રાડાના અધ્યક્ષ સ્થાનવાળી 'સીટ' દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયાનું ટોચના સુત્રો જણાવે છે.

ડીવાયએસપી વી.એમ.ચૌહાણ તથા એક પોલીસ ઇન્સ્પેકટર દરજ્જાના અધિકારીનો જેમાં સમાવેશ છે તેવી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમને તુર્ત જ આ ઘટનાનું સત્ય બહાર લાવી દુધનું દુધ અને પાણીનું પાણી કરવા માટે પણ પંચમહાલના રેન્જ વડા મનોજ શશીધરે આદેશ આપ્યાની વાતને અકિલા સાથેની વાતચીતમાં પંચમહાલના રેન્જ આઇજીપી મનોજ શશીધરે સમર્થન આપ્યું છે.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ પ્રેમ પ્રકરણને કારણે થયેલી હત્યાને અંજામ આપનારી આ યુવતીને સંડોવતા મામલાની તપાસ આ યુવતીને સારી રીતે ઓળખતા એક પોલીસમેનના સમાવેશવાળી ટીમ દ્વારા થતી હતી. એવું કહેવાય છે કે હત્યાનો ભેદ ઉકેલવામાં પણ જેમની સામે આક્ષેપ છે તેઓની ભુમિકા મહત્વની હતી. સુત્રોના કથન અનુસાર હત્યાની તપાસ દરમિયાન યુવતીના નિવેદનો લેતા સમયે પોલીસ સ્ટાફમાં મહિલા પોલીસ પણ સાથે રહેતી હતી.

દરમિયાન તાજેતરમાં ઇન્ટરનેશનલ 'પ્રીજનર્સ-ડે'ની ઉજવણી એક જસ્ટીસની ઉપસ્થિતિમાં અને જીલ્લા પોલીસ વડા ઉષા રાડાની ઉપસ્થિતિમાં થતી હતી તેવા સમયે જ સબંધક યુવતીએ પોતાના પર ગેંગરેપ થયાના આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો હતો. એ યુવતીને એવું પુછવામાં આવ્યું કે નિવેદન સમયે તમારી સાથે સતત મહિલા સ્ટાફ હાજર રહેતો, આમ છતાં આ ઘટના કઇ રીતે બની? તે યુવતીએ એવો જવાબ આપેલો કે આ ઘટના બની ત્યારે મહિલા સ્ટાફને બહાર મોકલી દેવામાં આવ્યો હતો.

આવા પ્રકારના જ ગંભીર આક્ષેપો થતા ૩ સભ્યોની એક સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ કે જેનું નેતૃત્વ મહીસાગર જીલ્લાના મહિલા એસપી ઉષા રાડાના અધ્યક્ષસ્થાનવાળી સીટ કરે છે તેઓએ આ યુવતીના નિવેદનો લેવા માટે તથા યુવતીના કથન મુજબ તપાસ દરમિયાન સાથે રહેલ મહિલા સ્ટાફ ખરેખર બહાર મોકલાયેલો કે કેમ? તે બાબતે પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

દરમિયાન મે માસમાં બનેલી કહેવાતા  ગેંગરેપની ઘટનામાં યુવતી ૪ માસ સુધી ચુપ કેમ રહી? ૪ માસ બાદ ફરીયાદ કરવાનું કારણ શું? આ બાબત પણ ચર્ચાના ચકડોળે ચડી છે. અમદાવાદમાં સેટેલાઇટ ગેંગરેપની ઘટનાની સનસનાટી હજુ ભુલાઇ નથી તેવા ટાંકણે આ ઘટનામાં ખરેખર શું બન્યું છે? તે જાણવુ રસપદ બની રહેશે. (૪.૯)

(12:58 pm IST)