Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

આણંદ શહેર કોંગ્રેસના પ્રમુખ તથા પૂર્વ નગરસેવક યોગેશભાઈ પટેલ ૧ લાખની લાંચના છટકામાં ઝડપાયા

૧૦ લાખ ૯૧ હજારથી મોટુ બીલ પાસ કરાવવા માટે કોન્ટ્રાકટર પાસે લાંચની માંગણીઃ એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં વડોદરા ટીમ દ્વારા સપાટોઃ રાજકીય ભૂકંપ સર્જાયો

રાજકોટ, તા. ૧૧ :. સોજીત્રા નગરપાલિકા તરફથી બહાર પડાયેલ વંદેવાડ તળાવની કબ્રસ્તાનની દિવાલ બનાવવાના કામનું અંદાજે રૂ. ૧૦ લાખ ૯૧ હજાર ૨૮૮ના ચેકનું ચુકવણુ કરવા માટે ૧ લાખ ૩૦ હજારની લાંચની માંગણી બાદ ૧ લાખની લાંચ લેવાના આરોપસર આણંદ નગરપાલિકાના માજી સભ્ય તથા શહેર કોંગ્રેસ પ્રમુખ યોગેશભાઈ જનાર્દનભાઈ પટેલ ૧ લાખની લાંચ લેતા એસીબી છટકામાં ઝડપાયાનું એસીબી સુત્રો જણાવે છે.

ફરીયાદી દ્વારા મારૂતિ ઈન્ફ્રા.ના નામથી બીન્દ્રા કન્સ્ટ્રકશન કંપની તરફથી સબ કોન્ટ્રાકટર તરીકે દોઢ વર્ષ અગાઉ વંદેવાડ તળાવવાળા કબ્રસ્તાનની દિવાલ બનાવવાનું કામ વર્ક ઓર્ડરથી રાખેલ. આ કામ ૮૦ ટકા પૂર્ણ થતા છેલ્લા બીલની રકમ તથા ડીપોઝીટ મળી ૧૦ લાખ ૯૧ હજાર ૨૮૮નું ચુકવણુ કરવા બીલ રજૂ કરેલ. ફરીયાદીના આરોપ મુજબ ઉકત બીલ મંજુર કરવા આરોપી યોગેશભાઈ જનાર્દનભાઈ પટેલ (માજી નગરપાલિકા સભ્ય તથા હાલના સોજીત્રા શહેર કોંગ્રેસ પ્રમુખે ફરીયાદી પાસે ચીફ ઓફિસર પાસેથી બાકી બીલની રકમ કઢાવી આપવા માટે ૧ લાખ ૩૦ હજારની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે ૧ લાખ રૂપિયા લાંચ નક્કી થતા માંગણી મુજબની ૧ લાખની રકમ સ્વીકારતા આરોપી વડોદરા ગ્રામ્યના એસીબી પી.આઈ. આર.એન. દવેના હાથે આબાદ ઝડપાઈ ગયા હતા. સમગ્ર છટકાનું માર્ગદર્શન રાજ્યના એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં સુપરવાઈઝરી અધિકારી, મદદનિશ નિયામક એસીબી, વડોદરા એકમ દ્વારા ગોઠવાયુ હતું. આ છટકાથી રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો હતો.(૨-૧૬)

(12:58 pm IST)