Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

નશીલા પદાર્થનો જથ્થો (ગાંજો) સુરતથી અમદાવાદ આવ્યાનો આમીનનો એકરારઃ ડીસીપી ડો. હર્ષદ પટેલ

નશીલા પદાર્થની હેરફેરનું કૌભાંડ, એક સપ્તાહમાં બીજી વખત ઝડપાયુ

રાજકોટ, તા. ૧૧ :. અમદાવાદ શહેરની એસ.ઓ.જી. (ક્રાઈમ બ્રાન્ચ)ના નવનિયુકત ડીસીપી હર્ષદ પટેલે અમદાવાદમાં યુવાનોને નશાની ગરતામાં ધકેલવા માટે નશીલા પદાર્થ (ગાંજો) વિગેરેના નેટવર્કનો પર્દાફાશ કર્યાના પગલે પગલે ફરી એક વખત અમદાવાદ એસ.ઓ.જી.(ક્રાઈમ બ્રાન્ચ) ટીમે ૬૨,૨૦૦ની કિંમતનો  નશીલો પદાર્થ (ગાંજાનો જથ્થો) ઝડપવામાં સફળતા સાંપડી છે.

ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ ખાસ પોલીસ કમિશ્નર દિપન ભદ્રન તથા નાયબ પોલીસ કમિશ્નર ડો. હર્ષદ પટેલ તથા એસીપી બી.સી. સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળની ટીમ નશીલા પદાર્થના કેરીયરોની વોચમાં હતી તેવા સમયે પીએસઆઈ બી.ડી. ભટ્ટને મળેલ બાતમીના આધારે આરોપી આમીન ઉર્ફે લીચી (હાજી રજબ શેઠની ચાલીની બાજુમાં ઈસનપુર, ચાર મીનાર હોલની પાછળ-અમદાવાદ)થી ગાંજાનો કુલ જથ્થો ૬ કિલો, ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ, ટોરેન્ટો કંપનીનું ઈલેકટ્રીક બીલ, રોકડ રૂ. ૫૦૦ સહિત કુલ ૬૨,૭૦૦નો મુદ્દામાલ ઝડપી લેવામાં સફળતા મળી હતી.

આરોપી આમીન ઉર્ફે લીચીની આકરી પૂછપરછ કરી તેને નશીલા પદાર્થનો જથ્થો કયાંથી લાવ્યો ? તે અંગે પૂછપરછ કરતા તેણે સુરત રેલ્વે સ્ટેશને કોઈ અજાણ્યો માણસ જથ્થો લાવ્યાની હકીકત જણાવેલ. છેલ્લા એક વર્ષથી આ પ્રવૃતિ સાથે આરોપી સંકડાયાનું જણાવેલ. આરોપીની અટક કરી આગળની તપાસ એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાંચે આગળ ધરી છે.(૨-૧૪)

 

(12:59 pm IST)