Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

મુંડન માટે ૨૧૬ શિક્ષક અને ૧૧ શિક્ષિકા તૈયાર

શિક્ષકદિન સુધીમાં માગણીઓ નહીં સ્વીકારાય તો શિક્ષકો 'મુંડન' કરાવશે

૧૬ સપ્ટેમ્બરના રોજ મહેસાણા, રાજકોટ, વડોદરા, સુરત ખાતે શિક્ષણ સહાયક ભાઇઓ-બહેનો, કાયમી શિક્ષકો, રાજ્ય તથા જિલ્લાના હોદ્દેદારો 'મુંડન' કરાવશે

અમદાવાદ તા. ૧૧ : ગ્રાન્ટેડ શાળા કર્મચારીઓ સાથે થયેલા અન્યાય મામલે ગુજરાત રાજય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ આક્રમક બની રહ્યું છે. શિક્ષણ સહાયકોને ઓછો પગાર વધારો, સળંગ નોકરી તથા સાતમાં પગારપંચના તફાવતના હપ્તા અંગેની રજૂઆતો બાદ પણ કોઈ નક્કર પરિણામ ન આવતા તાજેતરમાં મહામંડળની કારોબારી બેઠક મળી હતી. જેમાં સરકારને આ તમામ માગણીઓના નિરાકરણ માટે શિક્ષક દિન એટલે કે, ૫ સપ્ટેમ્બર સુધીની મુદત અપાઈ છે. જો, શિક્ષક દિન સુધીમાં આ માગણીઓ ન સ્વીકારાય તો ૧૬ સપ્ટેમ્બરે શિક્ષણ સહાયકોના પ્રશ્ને મહામંડળના સભ્યો એવા શિક્ષકો શ્નમુંડન' કરાવશે.

ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકોને સરકારી શાળાના શિક્ષણ સહાયકો કરતા રૂ. ૬ હજારથી માંડીને રૂ. ૧૨ હજારનો ઓછો વધારો અપાયો છે. આમ, શિક્ષણ જગતના ઈતિહાસમાં ૨૬ વર્ષમાં પ્રથમ વખત ગ્રાન્ટેડ અને સરકારી વચ્ચે ભેદ પાડવામાં આવ્યો છે. ફિકસ પગારની નોકરી ઉચ્ચતર પગાર તેમજ નિવૃત્તિ વિષયક લાભ માટે ૨૦૦૬ પછી સરકારી કર્મચારીની સળંગ ગણી જયારે ફિકસ પગારની યોજનાના પાયામાં રહેલા ગ્રાન્ટેડ શાળાના શિક્ષક સહાયકની નોકરી ૨-૭-૧૯૯૯થી સળંગ ગણી નથી. સરકારી કર્મચારીઓને બે વર્ષ અગાઉ સાતમુ પગારપંચ આપ્યું અને તફાવત ત્રણ હપ્તામાં અપાયો. જયારે ગ્રાન્ટેડ શાળાના ૬૦ હજાર કરતા વધુ શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારીઓને સરકારી કર્મચારી કરતા એક વર્ષ મોડું આપ્યું, તફાવત તો હજુ અપાયો નથી. જે ત્રણ હપ્તામાં આપવા અંગેની માગ ઘણા લાંબા સમયથી ઉકેલાઈ નથી. આ તમામ પ્રશ્નનો લઈને તાજેતરમાં ગુજરાત રાજય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની કારોબારી સમિતિની બેઠક મળી હતી.

મહામંડળના પ્રમુખ પંકજ પટેલે જણાવ્યું હતું કે, પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન પહેલા આ માગણીઓ ન ઉકેલાય તો ૧૬ સપ્ટેમ્બરના રોજ મહેસાણા, રાજકોટ, વડોદરા, સુરત ખાતે શિક્ષણ સહાયક ભાઈઓ-બહેનો, કાયમી શિક્ષકો, રાજય તથા જિલ્લાના હોદ્દેદારો શ્નમુંડન' કરાવશે. અત્યાર સુધી ૨૧૬ ભાઈઓ અને ૧૧ બહેનોએ શ્નમુંડન' માટે તૈયારી દાખવી છે. આ માટે હજુ રજિસ્ટ્રેશન ચાલી રહ્યું હોઈ આંકડો વધવાની શકયતા છે.(૨૧.૨)

 

(10:32 am IST)