Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

સ્પા સેન્ટરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો

જવાહર ચોકના શિવાની એવન્યુમાં પોલીસના દરોડા : પોલીસે આરોપી મહિલા સંચાલકની ધરપકડ કરી અને ચાર યુવતીને ચુંગાલમાંથી છોડાવી : પોલીસની વધુ તપાસ

અમદાવાદ, તા.૧૦ : શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ જવાહરચોક પાસેના એક કોમ્પ્લેક્સમાં કોહિનૂર સ્પા સેન્ટરની આડમાં ચાલતા સેક્સ રેકેટના ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ગઇ કાલે મોડી રાતે મણિનગર પોલીસે આ સ્પા સેન્ટર પર અચાનક દરોડા પાડી આરોપી મહિલા સંચાલકની ધરપકડ કરી હતી અને  ચાર સેક્સ વર્કરને સંચાલકની ચુંગાલમાંથી છોડાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો કે, આરોપી મહિલા સંચાલક મહિલા મુંબઇ અને ગુજરાતમાંથી સેક્સ વર્કરને બોલાવતી હતી અને સ્પા સેન્ટરની આડમાં ગોરખધંધો ચલાવતી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા જવાહરચોક પાસેના શિવાની એવન્યૂમાં કોહિનૂર સ્પા સેન્ટરના નામે દેહવ્યાપાર ચાલી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને સ્પા સેન્ટરની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો હતો. કોહિનૂર સ્પા સેન્ટરમાં ચાલતા સેક્સ રેકેટને પકડવું મુશ્કેલ હતું. સ્પા સેન્ટરની સંચાલક બિલ્કિશબાનુ મૂળ મુંબઇ છે અને ઘણાં વર્ષથી અમદાવાદ રહે છે અને કોહિનૂર સ્પા સેન્ટર ચલાવતી હતી. જ્યારે કોઇ પણ ગ્રાહક સ્પામાં થેરાપી લેવા માટે જાય ત્યારે બિલ્કિશબાનુ ગ્રાહક પાસેથી મસાજના રૂપિયા લેતી હતી. ત્યારબાદ સેક્સ વર્કર મસાજ માટે ગ્રાહકને રૂમમાં લઇ જાય ત્યારે ગ્રાહક સાથે સેક્સ કરવા માટેની ઓફર આપતી હતી. ગ્રાહક માની જાય ત્યારે સેક્સ માટેના રૂપિયા સેક્સ વર્કરને પહેલાં આપી દેવા પડતા હતા, જેથી કરીને એક પ્લાન બનાવ્યો, જેમાં ડમી ગ્રાહકને મોકલીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઇમમોરલ ટ્રાફ્રિકના મુદ્દે ગુનો દાખલ કરીને બિલ્કિશબાનુની ધરપકડ કરી છે. મણિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. બી. ઝાલાએ જણાવ્યું હતું કે બિલ્કિશબાનુની ધરપકડ કરીને ચાર યુવતીઓને છોડાવી છે, જેમાંથી બે યુવતી મુંબઇની છે અને બીજી બે યુવતીઓ ગુજરાતની છે.

(8:16 pm IST)