Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સુરતમાં પત્ની દહેજ ન લાવે તો ફોટો એડિટ કરી પતિએ બદનામ કરવાની ધમકી આપતા મહિલાએ પોલીસનો સહારો લીધો

સુરત: શહેરમાં પત્નીના ફોટો એડિટ કરી બદનામ કરવાની ધમકી આપનાર પતિ અને દહેજ લાલચુ સાસરીયાના શારિરીક-માનસિક ત્રાસ અને દાગીના લઇ ઘરમાંથી કાઢી મુકતા સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતી બે સંતાનની માતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સચિન જીઆઇડીસી વિસ્તારમાં માતા-પિતાના ઘરે રહેતી પ્રિયંકા (નામ બદલ્યું છે) ના લગ્ન વર્ષ 2013માં ચંદનસીંગ કમલેશસીંગ રાજપૂત સાથે થયા હતા. પરંતુ લગ્નના થોડા સમયમાં જ બેકાર પતિ અને સાસરીયાએ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. પ્રિયંકાએ પુત્રને જન્મ આપ્યો ત્યારે પણ પતિ અને સાસરીયાએ ઓરમાયુ વર્તન કર્યુ હતું. ઉપરાંત પતિ, સસરા અને દિયર તમામ દારૂના નશામાં અપશબ્દો ઉચ્ચાતા તથા દિયર અર્ધનગ્ન હાલતમાં ઘરમાં ફરી અશ્લીલ હરકતો પણ કરતો હતો. રોજબરોજનો ત્રાસ અને પતિએ માર મારતા પ્રિયંકાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન પણ કર્યો હતો પરંતુ પતિએ માફી માંગી લેતા ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. તેમ છતા ચંદનસીંગ પોતાના ફ્રેન્ડ સાથે પત્નીનો ફોટો એડીટ કરી બદનામ કરવાની ધમકી આપી દહેજ પેટે ટુક્ડે-ટુકડે રૂા. 5.50 લાખ પડાવી લીધા હતા. પ્રિયંકા પતિ સાથે અલગ ભાડાના ઘરમાં રહેવા ગઇ હતી અને પ્રિયંકાએ પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રીના જન્મ સમયે પણ પતિએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. જેથી પ્રિયંકા ઘર છોડીને પિયરમાં રહેવા ચાલી ગઇ હતી. દરમ્યાનમાં ગત તા. 3 જુનના રોજ પતિ ચંદનસીંગનો અકસ્માત થયાની જાણ થતા પ્રિયંકા બંન્ને સંતાનને લઇ પતિને જોવા દોડી ગઇ હતી. જયાં સાસુએ પોતાની સાથે રહેવું હોય તો કપડા અને દાગીના પિયરમાંથી લઇ આવવાનું કહી દાગીના પચાવી પાડી માર મારી ઘરમાંથી હાંકી કાઢી હતી. જેથી પ્રિયંકાએ પતિ ઉપરાંત દિયર કુંદનસીંગ, સાસુ મીરાદેવી, સસરા કમલેશસીંગ (તમામ રહે. અંબિકા ટાઉનશીપ, ડીંડોલી) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

(6:15 pm IST)