Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સુરતમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રનો વિવાદઃ એક મહિલા કોન્‍સ્‍ટેબલ સાથે દુર્વ્યવહાર કર્યાનો આરોપ

સુરત: વરાછાના ધારાસભ્ય અને રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીનો પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે થયેલી બોલાચાલીનો ઓડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. નાગરિકોમાં આ મહિલા મર્દાનીના સપોર્ટમાં ખુલ્લમ ખુલ્લા આવી ચુક્યા છે. ટ્વીટર પર પણ આ મુદ્દો ટ્રેન્ડિંગમાં આવતા રાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો પહોંચી ચુક્યો છે. નાગરિકો ભરપુર પ્રમાણમાં સુનિતા યાદવને સપોર્ટ કરી રહ્યા છે.

જો કે સુનિતા યાદવે આ જ મુદ્દે રાજીનામું આપી દીધું છે. સુનિતા અને પ્રકાશ ઉપરાંત સુનિતા અને સ્થાનિક પીઆઇ વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. હાલ તો સોશિયલ મીડિયા પર માંગ ઉઠી રહી છે કે, સુનિતા યાદવનું રાજીનામું તો ન જ સ્વિકારવામાં આવે પરંતુ કુમાર કાનાણી રાજીનામું આપે. કાનાણીના પુત્ર પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

સોશિયલ મીડિયા પર લોક જુવાળ જોઇને સુરત પોલીસ કમિશ્નર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવી ગયા છે. પોલીસ કમિશ્નરને સુનિતા યાદવનું રાજીનામું નહી સ્વિકારવાનો પત્ર પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કાનાણીના પુત્ર પર કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. એસીપી સી.કે પટેલને સમગ્ર મુદ્દે તપાસ સોંપવામાં આવી છે. આ સમગ્ર મુદ્દો અધિકારીઓ પાસે પહોંચતા પ્રાથમિક તબક્કે અધિકારીઓએ સુનિતાને ખખડાવતા સુનિતાએ રાજીનામું ધરી દીધાની વાત પણ સોશિયલ મીડિયા પર વહેતી થતા ઉચ્ચ અધિકારીઓ સામે પણ રોષ જોવા મળી રહ્યો છે.

હાલ તો સમગ્ર મુદ્દે કમિશ્નર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સુનિતા યાદવ મુદ્દે રાજકારણ પણ ગરમાઇ ચુક્યું છે. કોંગ્રેસ દ્વારા કુમાર કાનાણી ઉપરાંત સરકાર પર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. જેના પગલે હાલ સરકાર પણ બચાવના મોડમાં આવી ચુકી છે. આ મુદ્દે સત્વરે યોગ્ય કાર્યવાહી થાય તેવા અંદરખાને આદેશ આપાઇ ચુક્યા છે.

(5:17 pm IST)