Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કોરોના મહામારીના કારણે સુરતથી અમદાવાદ આવતી-જતી તમામ એસ.ટી. બસ સેવા સ્‍થગિત કરી દેવાઇ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. હાલમાં સમગ્ર રાજ્યમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં સતત કોરોનાનાં દર્દીઓ વધી રહ્યાં છે. ત્યારે સુરત શહેર રાજ્યમાં કોરોનાનું હોટસ્પોટ બનતું જઇ રહ્યું છે. આ મહામારી વચ્ચે ST બસ સેવાને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધતા જતા કેસને લઇને સુરતથી અમદાવાદ આવતી-જતી તમામ એસ.ટી બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે.

તંત્ર દ્વારા સુરતમાં વધતા જતા કોરોનાનાં કેસને લઇ અમદાવાદમાં એલર્ટ આપી દેવામાં આવેલ છે. સુરતમાં સતત કોરોનાનાં કેસ સતત વધતા હોવાને કારણે તેનું સંક્રમણ ફરીથી અમદાવાદને ચેપગ્રસ્ત ન કરે તેની માટે તંત્ર દ્વારા અગમચેતી પગલાં લેવામાં આવ્યાં છે. હાલમાં સુરતથી આવતા તમામ લોકોનું ચેકિંગ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુરતથી અમદાવાદ આવતી જતી એસ.ટી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં પ્રવેશ કરનારી બસોએ બાયપાસ જવું પડશે

તંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર સુરતથી અમદાવાદ તરફ આવતી બસોને AMCની હદમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે અમદાવાદથી સુરત જતી બસો પર પણ રોક લગાવવામાં આવી દીધો છે.

એસ.ટી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યાં બાદ દક્ષિણ ગુજરાતમાંથી આવતી બસોને અન્ય કોઇ જિલ્લામાં જવું હોય તો પણ તેને અમદાવાદમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આવી બસોને બાયપાસ જવું પડશે. અમદાવાદમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં વધી રહેલા કોરોનાનાં કેસોને લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે છેલ્લાં કેટલાંય દિવસોથી સુરતમાં સતત કોરોનાનાં કેસો વધતા જઇ રહ્યાં હોવાંનો કારણે તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે.

અમદાવાદ એક્સપ્રેસ હાઇ-વે પર બની કોરોના ચેકપોસ્ટ

અમદાવાદ એક્સપ્રેસ હાઇ-વે પર કોરોના ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે. AMC દ્વારા કોરોના ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. જે અંતર્ગત સુરતથી આવતા મુસાફરોનો રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સુરતથી ખાનગી વાહનોમાં આવતા લોકોનું શહેર પ્રવેશ પહેલા સ્કેનિંગ કરાશે.

બીજી બાજુ થોડાંક દિવસથી ખાનગી ટ્રાવેલ્સે પણ અમદાવાદથી સુરતનું બુકિંગ બંધ કર્યું છે. અત્યાર સુધીમાં કુલ 600 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. 600 પૈકી 23 લોકોનાં પોઝિટિવ ટેસ્ટ આવ્યાં છે. જ્યારે 2 લોકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યારે 2 લોકોને હોમ ક્વૉરન્ટાઈન કરાયા છે અને 19 લોકોને પરત સુરત મોકલવામાં આવ્યાં છે.

(5:15 pm IST)