Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

રાજયભરમાં મેઘરાજાનું જોર ઘટયું: ૧૫૬ તાલુકાઓમાં ઝરમરથી ૨.૫ ઈંચ સુધીનો વરસાદ

ઉકાઈ ડેમની જળસપાટી ૩૧૯.૬૭ ફૂટે પહોંચી, ડેમમાં ૬૦૦ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે

વાપી, તા.૧૧: ચોમાસાની આ સિઝનના  પ્રારંભમાં વન ડે પારી રમ્યા બાદ મેઘરાજાનુ જોર રાજયભરમાં ઘટ્યાનુ જણાય છે છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૩૨ જીલ્લાના ૧૫૬ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૬૦ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે.

    ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના  મુખ્યત્વે આંકડાને જોઈએ તો... ભુજ ૬૦ મીમી, કડી ૪૬ મીમી, ગઢડા ૪૫ મીમી, સુરત સીટી ૩૩ મીમી, શહેરા ૨૭ મીમી, કામરેજ ૨૬ મીમી, જોટાણા ૨૩ મીમી, માણસા ૨૨ મીમી, પાદરા ૨૦ મીમી વરસાદ નોંધાયો છે.

 આ ઉપરાંત માંડવી અને હાંસોટ ૧૮-૧૮ મીમી,કુકરમુંડા ૧૬ મીમી,ડભોઇ ૧૫ મીમી,ચાણસ્મા ૧૪ મીમી,પાટણ ૧૩ મીમી, માંગરોળ ૧૨ મીમી, શંખેશ્વર ૧૧ મીમી, રાધનપુર, બાયડ, ઝગડિયા અને નેત્રંગ માં ૧૦-૧૦ મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજય ના ૧૦૭ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૯ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે .

આજે સવારે ૦૮ કલાકે ઉકાઈ ડેમની જળ સપાટી ૩૧૯.૬૭ ફૂટે પોહોચી છે ડેમમાં ૬૦૦ કયુસેક પાણીના ઇન્ફ્લો સામે ૬૦૦ કયુસેક પાણી છોડાય રહ્યું છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે કે એટલે કે સવારે ૯ કલાકે દક્ષીણ ગુજરાત ના કેટલાક વિસ્તારો માં મેઘરાજા એ ડોળ કર્યા નુ જણાય છે.

(1:27 pm IST)