Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સોમવારથી સુરતની તમામ ટેક્સટાઈલ માર્કેટના સમયમાં ફેરફાર :હવે 5 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે: ફોસ્ટાની ગાઈડલાઈન જાહેર

ઓડ-ઈવન પદ્ધતિમાં દરેક માર્કેટમાં દુકાનો ખોલવા તેમજ મનપાની તમામ ગાઇડલાઇનનું કડકાઇથી પાલન કરવું પડશે

સુરત: રિંગરોડ સ્થિત કાપડ માર્કેટમાં કોરોનાના કેસો સતત વધતા પાલિકા દ્વારા માર્કેટો માટે નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. નવી ગાઇડલાઇન પ્રમાણે સોમવારથી તમામ કાપડ માર્કેટોનો સમય સવારે 9 વાગ્યાથી 6 વાગ્યાની જગ્યાએ બદલીને 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.

કાપડ માર્કેટના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ કાપડ માર્કેટમાં કામ પર આવનારા મજૂરો શહેરના તમામ વિસ્તારોમાંથી આવતા હોય ત્યાં સંક્રમણ ફેલાવાની શક્યતા સૌથી વધારે છે અને અનલોક-1 બાદ કાપડ માર્કેટમાં કોરોનું સંક્રમણ સૌથી વધુ ઝડપથી ફેલાયું છે. ત્રણ દિવસ પહેલા જ મિલેનિયમ માર્કેટના વેપારીનુ કોરોનાથી મોત પણ થયું હતું.

જેને લીધે કાપડ વેપારીઓ પણ ચિંતિત છે. કાપડ માર્કેટમાં વધતા કેસોને લઇ  રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ, પાલિકા કમિશનર બી.એન.પાની અને કલેકટર ડો.ધવલ પટેલે ફોસ્ટા સહિતના કાપડ વેપારીઓ આગેવાનો સાથે મિટીંગ કરીને નવી ગાઈડલાઈન આપી હતી. જે અંગે શુક્રવારે ફોસ્ટાના પદાધિકારીઓએ વિવિધ માર્કેટના આગેવાનો સાથે મિટીંગ કરી છે. જેમાં સોમવારથી સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઓડ-ઈવન પદ્ધતિમાં દરેક માર્કેટમાં દુકાનો ખોલવા તેમજ મનપાની તમામ ગાઇડલાઇનનું કડકાઇથી પાલન કરવાનું કહેવામાં આવ્યુ હતું.

ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કાપડ માર્કેટ માટે જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન પર વેપારીઓનો વિચાર જાણવા માટે શુક્રવારે અમે મિટીંગ કરી હતી. મોટાભાગના વેપારીઓએ હાલ માર્કેટ બંધ નહીં કરવા માટે મત રજૂઆત કરી હતી. વેપારીઓનું કહેવુ હતું કે ધીમે ધીમે વેપારની ગાડી પાટે ચડી રહી છે અને માલ અન્ય રાજ્યોમાં મોકલાઇ રહ્યો છે માર્કેટ બંધ કરી દેવામાં આવશે તો તે પણ જતો બંધ થઈ જશે. તમામ વેપારીઓ ગાઈડલાઈનની કડક અમલવારી કરવા માટે તૈયારી બતાવી છે. અમે મિટીંગમાં 50થી વધુ આગેવાનોને જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનું જો પાલન નહીં કરવામાં આવશે, તો પાલિકાની ટીમ દ્વારા થનારા ઓચિંતા ચેકિંગમાં માર્કેટ બંધ અથવા તો રોકડ દંડ સુધી ફટકારવામાં આવી શકે છે.

(1:08 pm IST)