Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

હિંમતનગરમાં 15.445 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને સાબરકાંઠા SOGએ ઝડપ્યા

એસઓજી ટીમે ગાંજો અને વાહન મળી કુલ ૩.૫૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

સાબરકાંઠા જિલ્લા એસઓજીની ટીમે બાતમી આધારે શહેરના મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતી બોલેરો જીપમાંથી રૂપિયા ૧.૫૪ લાખથી વધુની કિંમતના ૧૫.૪૪૫ કિલો ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. ટીમે ગાંજો અને વાહન મળી કુલ રૂપિયા ૩.૫૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીએ રાધનપુર તાલુકાના બે શખ્સોની અટકાયત કરી ચાર જણા વિરૂધ્ધ હિંમતનગરના એ ડિવીઝનમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો દર્જ કરાવી કાર્યવાહી કરી હતી.

 એસઓજીના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એક બોલેરો ગાડીમાં કેટલાક શખ્સો ગાંજાનો જથ્થો લઇ શામળાજી તરફથી રાધનપુર તરફ જવાના હોવાની બાતમી મળતા એસઓજીની ટીમે સહકારી જીનથી મોતીપુરા તરફ જતા માર્ગ પર વોંચ ગોઠવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીકની સુચનાથી એસઓજીના પી.આઇ. વાય.જે. રાઠોડે, પી.એસ.આઇ. ડી.જે. લકુમ, એચ.એમ.કાપડીયા અને એ.એસ.આઇ. કૌશિકકુમાર પોપટભાઇની સહિતની ટીમે સહકારી જીનથી મોતીપુરા તરફ જતા સર્વિસ રોડ પર મેપ્લ ક્રિસ્ટલ અને ભુરાવાલા હિરો શો-રૂમ વચ્ચે વોંચ રાખી તપાસમાં ઉભા હતા. તે દરમિયાન બોલેરો ગાડી નં. જીજે.૦૧.બીવી.૯૧૮૯ લઇ બે શખ્સો શામળાજી તરફથી આવતા એસઓજીની ટીમે વાહનને ઉભુ રખાવી ગાડીની તલાશી લીધી હતી.

એસઓજીની ટીમે બોલેરો ગાડીના બોનેટ અંદર તપાસ હાથ ધરતા તેમાંથી રૂપિયા ૧,૫૪,૪૫૦ની કિંમતનો ૧૫.૪૪૫ કિલોગ્રામ માદક ગાંજાનો જથ્થો ગેરકાયદેસર રીતે લઇ જવાતા હાથ લાગ્યો હતો. જેથી ટીમે ગાંજાના જથ્થા સાથે સાગરભાઇ રમેશભાઇ રાવલ (રહે.મોટી પીપલી, તા.રાધનપુર, જિ.પાટણ) અને હસુભાઇ કમુભાઇ ઠાકોર (રહે.જીઇબી પાછળ, રાધનપુર, જિ.પાટણ)ની અટકાત કરી પુછતાછ કરી હતી. પોલીસે બોલેરો ગાડી ગાંજો અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૩,૫૯,૯૫૦ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ કુલ ચાર જણા વિરૂધ્ધ હિંમતનગરના એ ડિવીઝનમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો દર્જ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેથી આ‌વી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાઓમાં ફફડાટ ફેલાયો છે.

(11:43 am IST)