Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

આયાતમાં મસમોટા ગાબડાં પડતા સોનાની અછત : ભાવમાં પ્રીમિયમ બોલાવા લાગ્યું !!

માંગ ઘણી ઓછી પણ માલની અછત : ગત સપ્તાહે 22 ડોલરનું હતું ડિસ્કાઉન્ટ હવે ત્રણ ડોલર પ્રીમિયમ !!

અમદાવાદઃ સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વૈશ્વિક ભાવ કરતા પ્રીમીયમ જોવાયુ છે. બુલિયન ટ્રેડર્સ દ્વારા આયાત છેલ્લા છ મહિનાથી સતત ઘટી હોવાથી અને દાણચોરી પણ અટકી હોવાથી હાજરમાં સોનાની અછત જોવા મળી છે તેના કારણે ભાવમાં પ્રીમીયમ બોલવામાં આવી રહ્યા છે.

બુલિયન ટ્રેડર્સના જણાવ્યા અનુસાર માંગ ઘણી ઓછી છે પણ માલની અછતના કારણે ભાવમાં પ્રતિ ઔંસ ત્રણ ડોલરનું પ્રીમીયમ છે. ગત સપ્તાહે સોનાના ભાવમાં ૨૨ ડોલરનું ડિસ્કાઉન્ટ હતું. દરમિયાન ચીનમાં ૨૦ થી ૨૫ ડોલર, હોંગકોંગમાં ૫૦ સેન્ટનું ડિસ્કાઉન્ટ છે જયારે સિંગાપોરમાં ૧.૫૦ ડોલર પ્રતિ ઔંસનું પ્રીમીયમ છે.

જુન ૨૦૨૦માં ભારતની સોનાની આયાત ૮૬ ટકા ઘટી ગઈ છે. વિશ્વના સોનાના બીજા ક્રમના સૌથી મોટા આયાતકાર અને વપરાશકર ભારતમાં જુન મહિનામાં માત્ર ૧૧ ટન સોનાની આયાત થઇ જે આગલા વર્ષે ૭૭.૭૩ ટન રહી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. મુલ્યની દ્રષ્ટિએ ભારતમાં સોનાની આયાત આ વર્ષે જુનમાં ૬૦.૮૭ કરોડ ડોલર હતી જે આગલા વર્ષે ૨.૭ અબજ ડોલર હતી. લોકડાઉનના ત્રણ મહિનાનામાં માર્ચમાં આયાત ૭૩ ટકા ઘટી ૨૫ ટન, એપ્રિલમાં ૯૯.૯ ટકા ઘટી માત્ર ૫૦ કિલો, મે મહિનામાં ફરી ૯૯ ટકા ઘટી ૧.૪ ટન રહી હતી.

(10:06 pm IST)