Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ટોસીલીઝુમેબ ઇન્જેક્શન મામલે જયંતિ રવિના નિવેદનથી હોબાળો : ડોક્ટરોમાં નારાજગી : ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ

બિનજરૂરી ઇન્જેક્શન માટે પ્રિસ્ક્રિપ્શન અને એક અઠવાડિયામાં પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા 50 લાખ રૂપિયાની દવાઓ ખરીદાઈ તેવા નિવેદનનો વિરોધ

સુરત: સુરતમાં ટોસિલિઝુમેબ ઇન્જેકશનની અછતને લઈ વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે પ્રાઇવેટ ડોકટરો દ્વારા બિનજરૂરી રીતે દર્દીઓને આ ઇંજેક્શન લેવા માટેનું પ્રિસ્ક્રિપ્શન લખાયુ છે, જેને કારણે એક અઠવાડિયામાં પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા 50 લાખ રૂપિયાની દવાઓ ખરીદવામાં આવી છે. આ નિવેદનનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

જયંતિ રવિના નિવેદન અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એક પ્રેસનોટ ઇસ્યુ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મીડિયામાં આવેલા સમાચારોને IMA , સુરત સખત શબ્દોમાં વખોડે છે. જયંતિ રવિએ IMAના સભ્યોની લાગણી દુભાવી છે. અમે વિનંતી કરીએ છીએ કે આવા નિવેદનો માટે સાવચેત રહો. આઈ.એમ.એ. સુરતની આગેવાની હેઠળ વિવિધ શાખાઓના સુરતના ડૉકટરો, કોવિડની મહામારી થઈ ત્યારથી જ દર્દીઓના કલ્યાણ માટે સતત કાર્યરત છે. માર્ચના છેલ્લા અઠવાડિયામાં પ્રથમ લોકડાઉન થયા પછીથી સતત અધિકારીઓ , એસ.એમ.સી. કમિશ્નર , આરોગ્ય કમિશ્નર અને કલેકટર સાથે સહકાર આપી રહ્યા છીએ.

સત્તાવાળાઓ દ્વારા અમારી ટીમને અનન્ય અને ઉત્કૃષ્ટ ગણાવી છે.
1. આઈ.એમ.એ. દ્વારા વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓને સાથે લઈને કોરોના એકશન કમિટીની રચના કરવામાં આવી હતી , જેમાં મેડિસીનની તમામ શાખાઓ સામેલ હતી.

2. જ્યારે PPF કીટ ઉપર રૂા . ૩000 / – નો ખર્ચ થતો હતો , છતાં પણ અમારા સભ્યોએ તબીબી સેવાઓ ચાલુ રાખી હતી .

3. બે ખાનગી હોસ્પિટલો – મિશન અને ટ્રાયસ્ટાર દ્વારા કોવિડ દર્દીઓને પ્રવેશ આપવાનું શરૂ થયું અને આ દર્દીઓની સારવાર માટે જુદા જુદા સ્થળોએ ઉધરસની ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી .

4. નવી-નવી માહિતી આવતા જ રહેતાં નિયમિત ધોરણે CME દ્વારા અમારા સભ્યોને માહિતગાર કરવામાં આવતા હતા.

5. હાલમાં લગભગ ૫૦ જેટલી હોસ્પિટલોમાં કોવિડ -૧૯ ની સારવાર ચાલી રહી છે તથા સિવિલ અને સમરસ ખાતે ૯ જેટલા કન્સલટન્ટ ડૉકટરો સેવા આપી રહ્યા છે .

6. આઈ.એમ.એ.ની સોશ્યલ વેલ્ફર કમિટી દ્વારા સુરત શહેરની વિવિધ હોસ્પિટલોમાં તથા દવાખાનામાં રકતદાન કેમ્પ કરી 885 યુનિટ લોહી એકત્રીત કર્યું . ફૂડ કીટ , N95 માસ્ક તથા PPE કીટનું પણ વિતરણ કર્યું.

કોવિડના પરિક્ષણ બતાવે છે કે તે આંકડા કરતાં વાસ્તવીક કેસો ઘણાં વધારે છે . સારવારની થીયરી બદલાતી રહે છે. WHO અને ICMRના માર્ગદર્શન પ્રમાણે બધા ડૉકટરો અને હોસ્પિટલો દર્દીની શ્રેષ્ઠ સારવાર કરે છે. આ સંદર્ભમાં આરોગ્ય સચિવ ડૉ . જયંતી રવિની કથિત ટીપ્પણીથી તબીબોમાં નિરાશાનો મોજું ફેલાય ગયું છે. કોઈપણ રીતે દવાઓ કે ઈન્જકશનોનો અભાવ માટે ડૉકટરોને જવાબદાર ઠેરવવા ન જોઈએ. આ સમય એક – બીજા પર દોષારોપણ કરવાનો નથી. આવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત ન કરી દર્દીઓનું હિત જોવાનું છે. ખરેખર તો જરૂરી દવાઓ અને ઈન્જકશનો તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવા જોઈએ.

કોરોનાના કેસોમાં છેલ્લા કેટલાક દિવસથી વધારો જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે કોરોનાના દર્દીઓના પરિવારજન દ્વારા ટોસિલિઝુમેબ ઇન્જેકશનની અછતને લઈ વારંવાર ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે જયંતિ રવિએ કહ્યું હતું કે કેટલાક પ્રાઇવેટ ડોકટરો દ્વારા બિનજરૂરી રીતે દર્દીઓને આ ઇંજેક્શન લેવા માટેનું પ્રિસ્ક્રિપ્સન કરાયું છે, જેને કારણે એક અઠવાડિયામાં પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા 50 લાખ રૂપિયાની દવાઓ ખરીદવામાં આવી છે. જે દર્દીઓ અતિ ગંભીર હોય તેઓને જ આ ઇંજેક્શન આપવાનું રહેશે. ઇન્જેક્શન સરકાર સ્વીઝરલેન્ડથી મંગાવે છે.

 જયંતી રવિએ વધુમાં કહ્યુ કે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી પણ વધુ ઇન્જેક્શન સુરતને મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી 198 જેટલા ઈન્જેકશન સુરતને આપવામાં આવ્યા છે. હવેથી જો ઇન્જેક્શન દર્દીને જોઈતું હશે તો પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરો અને દર્દીના તમામ રિપોર્ટ , પ્રિસ્ક્રિપ્શન રિપોર્ટ એક મેલ થકી સમિતિને મોકલવામાં આવશે અને તેની તમામ ચકાસણી કર્યા બાદ આ સમિતિના ડો સુપ્રિટેન્ડેન્ટને ભલામણ કરશે. ત્યારબાદ એક દિવસની અંદર આ ઇંજેક્શન દર્દીને મળી શકશે. બિનઉપયોગી ઇજેક્શન કોઈ દર્દી માટે મંગાવશે તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી ચેતવણી પણ જયંતિ રવિએ આપી હતી.

(9:51 pm IST)