Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

એસીબીમાં સીબીઆઇ જેવું 'ટીએફએસયુ' યુનીટ કાર્યરતઃ કેશવકુમાર

એસીબીના સંપુર્ણ નવસર્જન માટે તડામાર તૈયારીઓઃ ૭ કાયદાના તજજ્ઞો જોડાશે : આરોપીઓની પુછપરછ માટે ઇન્ટ્રોગેશન રૂમો : રાજય સરકારના વિવિધ વિભાગોની કાર્યવાહીના જાણકાર ટોચના અધિકારીને એસીબીમાં ડેપ્ટેશન પર લવાશે : ગુજરાતભરમાં મહત્વનાં કેસોમાં હેડ કવાર્ટર સ્થિત ટેકનીકલ એન્ડ ફોરેન્સીક સપોર્ટ યુનીટ દ્વારા સંપુર્ણ મદદ કરાશે : અકિલા સાથે એસીબી નિયામકની વાતચીત

રાજકોટ, તા., ૧૧: રાજય સરકાર દ્વારા તમામ સ્તરે ભ્રષ્ટાચાર નાબુદ કરવા  માટે કટીબધ્ધ હોવા સાથે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના વડા કેશવકુમાર પણ હાલના લાંચ રૂશ્વત બ્યુરોના ઢાંચાને ખરા અર્થમાં સીબીઆઇ સમકક્ષ બનાવવા અથાગ પ્રયાસો કરી રહયા છે. જે બાબત ધ્યાને લઇ રાજય સરકારે લાંચ રૂશ્વત બ્યુરોને સીબીઆઇ માફક સંપુર્ણ સુસજ્જ કરવા માટે ગુજરાતમાં ટીએફએસયુ (ટેકનીકલ એન્ડ ફોરેન્સીક સપોર્ટ યુનીટ) શરૂ કરવા મહત્વનો નિર્ણય લેવાયાની બાબતને અકિલા સાથેની વાતચીતમાં એસીબી વડા કેશવકુમારે સમર્થન આપ્યું છે.

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા થતા કેસોને ફુલપ્રુફ બનાવવા માટે ફોરેન્સીક અને વૈજ્ઞાનીક ઢબે તપાસ કરી પુરાવા મેળવવામાં અન્ય પણ ેકેટલાક સાધનો વસાવવાનું નક્કી થયાનું પણ એસીબી વડાએ જણાવ્યું હતું. તેઓએ વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે ટીએફએસયુ યુનીટ એસીબીના મુખ્ય મથકે કાર્યરત રહેશે અને રાજયમાં એસીબીના વિવિધ કેસોની તપાસ દરમિયાન  તપાસનીસ અધિકારીને તપાસ દરમિયાન  ટેકનીકલ અને ફોરેન્સીક માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.

અત્રે એ યાદ રહે કે એસીબી દ્વારા થતા કેસોમાં હાલના તબક્કે સજાના પ્રમાણમાં ૪૮ ટકા જેટલો વધારો નોંધાયો છે. આ પ્રમાણ હજુ પણ વધે તે માટે એસીબીમાં લીગલ સપોર્ટ સ્ટાફની કુલ ૭ જગ્યા મંજુર થઇ છે. સીબીઆઇની માફક એસીબી કેસમાં આ કાયદા તજજ્ઞો વકીલો સાથે સંકલનમાં રહી ચાર્જશીટ પછીની કાર્યવાહી સારી રીતે થાય તે માટે મહત્વની ભુમીકા ભજવશે.

એસીબીના અધિકારીઓ સરકારના જુદા જુદા વિભાગોની કાર્યવાહીથી માહીતગાર થાય અને આ અનુભવને કારણે તપાસમાં સરળતા રહે તે માટે એસીબીમાં નાયબ નિયામક વર્ગ-૧ની જગ્યા ઉભી કરવાનું નક્કી થયું છે.  રાજય સરકારમાંથી વર્ગ-૧ના અનુભવી અધિકારીને ડેપ્યુટેશન પર લાવવામાં આવશે.

આ ઉપરાંત કોર્ટમાં મજબુત રીતે પુરાવાઓ રજુ કરવા માટે ફોરેન્સીક સલાહકારની જગ્યા પણ મંજુર કરવામાં આવી છે. આરોપીઓની સઘન પુછપરછ કરવા માટે ઇન્ટ્રોગેશન રૂમો બનાવવાનું મંજુર કરવામાં આવ્યું છે.  લાંચીયાઓ સામે લોકોમાં વધુને વધુ જાગૃતી આવે તે માટે એસીબી દ્વારા પબ્લીસીટી-જાહેરાતો એફએમ રેડીયો, બસ પેનલ, ધાર્મિક મેળાઓ, ટીવી પર ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ની પહોળી પ્રસિધ્ધી કરવા માટે પણ ૧ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. આમ એસીબીના કાયાકલ્પ માટે ર કરોડ ૮પ લાખ ૧ર હજાર  મંજુર કરવામાં આવેલ છે.

(1:11 pm IST)