Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વિધાનસભા સત્ર પછી, આઇપીએસ કક્ષાએ બદલી - બઢતી પ્રક્રિયા શરૂ

રાજકોટ તથા અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) સહિતની મહત્વની ખાલી જગ્યાઓ હજુ ભરાઇ નથી ત્યાં તુર્તમાં જ મહત્વના સ્થાનો ખાલી થનાર છે : ચાલુ માસે મોહન ઝા અને આવતા માસે સુરતના પોલીસ કમિશ્નર સતિષ શર્મા નિવૃત થતા હોવાથી મહત્વના સ્થાનો ખાલી ન રહે તે માટે ઇન્ચાર્જ એ.સી.એસ. (હોમ) પંકજકુમાર પ્રયત્નશીલ

રાજકોટ, તા., ૧૧: લોકસભાની ચુંટણી પુર્ણ થઇ છે. ત્યારે હવે લાંબા સમયથી રાજય પોલીસ તંત્રમાં ખાલી રહેલી મહત્વની જગ્યાઓ અને હવે પછી તુર્તમાંં ખાલી પડનારી  એકઝીકયુટીવ અધિકારીઓની આઇપીએસ  કેડરની વિવિધ જગ્યાઓ ભરવા સાથે બદલી -બઢતીની પ્રક્રિયા વિધાનસભા સત્ર પુર્ણ થયા બાદ શરૂ થનાર હોવાનું ટોચના સુત્રો જણાવે છે.

રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નરની જગ્યા સિધ્ધાર્થ ખત્રી નિવૃત થતા ખાલી પડી હોવા સાથે રાજય પોલીસ તંત્રમાં ખુબ જ મહત્વની મનાતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના વડાની જગ્યા જે.કે.ભટ્ટ નિવૃત થયા બાદ ખાલી પડી છે. રાજકોટ અને અમદાવાદની આ બંન્ને અગત્યની જગ્યાઓ માટે અનુક્રમે આર્મ્સ યુનીટના અજય ચૌધરી અને જે.આર.મોથલીયાનેે ચાર્જ અપાયેલ છે. રેલ્વે એસપીની જગ્યા પણ જે.આર.પારગી નિવૃત થતા ખાલી પડી છે. અમદાવાદમાં પણ એસપી કક્ષાના નાયબ પોલીસ કમિશ્નર શ્રી ભગોરા નિવૃત થતા આ જગ્યા ખાલી છે.  સ્પેશ્યલ બ્રાન્ચની જગ્યા પણ ચાર્જમાં ચાલે છે.

એડીશ્નલ ડીજી કક્ષાના વી.એમ.પારગી નિવૃત થયા બાદ એ સ્થાન પણ ખાલી છે. અધુરામાં પુરૂ ડીજીપી કક્ષાના રાજય પોલીસ તંત્રના ખુબ જ અનુભવી એવા જેલ વડા મોહન ઝા પણ ચાલુ માસે જ નિવૃત થઇ રહયા છે. આવતા માસે સુરતના પોલીસ કમિશ્નરની ખુબ જ મહત્વની મનાતી જગ્યા પણ ખાલી પડનાર છે. આ બધી બાબતો ધ્યાને લઇ વિધાનસભા સત્ર બાદ આઇપીએસ કક્ષાએ બદલી-બઢતીની પ્રક્રિયા હાથ ધરાનાર છે.  અત્રે યાદ રહે કે ગુજરાતના ઇન્ચાર્જ એડીશ્નલ ચીફ સેક્રેટરી (હોમ) પંકજ કુમાર પણ કાયદો અને વ્યવસ્થાની બાબત ખુબ જ અગત્યની હોવાથી મહત્વની જગ્યાઓ ખાલી ન રહે અને તુર્ત જ આ જગ્યા ભરાઇ જાય તે માટે પ્રયત્નશીલ હોવાનું પણ બહાર આવ્યું છે. આઇપીએસ કક્ષાએ અત્યારથી જ વિવિધ મહત્વના સ્થાનો માટે તથા ચોક્કસ રેન્જો અને જીલ્લા પોલીસ વડા કક્ષાએ પણ થનાર ફેરફાર માટે લોબીંગ શરૂ થઇ ગયું છે.

(1:09 pm IST)