Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ગુજરાત બજેટમાં મહિલા- બાળકલ્યાણ તથા કન્યા શિક્ષણ માટે વિશેષ જોગવાઈઃ વિજયભાઈ

વિધાનગૃહની મુલાકાતે નારિશકિતઃ કોમનમેનની સહજતાથી મુખ્યમંત્રીનો સંવાદ

રાજકોટઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની કામગીરી નિહાળવા બુધવારે વિધાનગૃહની મૂલાકાતે આવેલી ૧૦૦૦ જેટલી નારીશકિત-ભગિની શકિત-વિદ્યાર્થીની બહેનો સાથે સીધો સંવાદ સાધી સી.એમ કોમન મેનનું આગવું દ્રષ્ટાંત પુરૃં પાડયું છે.રાજકોટ શહેર-ગ્રામ્ય, જામનગર અને અમરેલી જિલ્લાની વિવિધ સંસ્થાઓની બહેનો તેમજ અમરેલીની બી.બી.એ. કોલેજની વિદ્યાર્થીનીઓ વિધાનસભા જોવા ગાંધીનગરના પ્રવાસે આવેલી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભા પોડિયમમાં આ નારી-ભગિની શકિત સાથે સંવાદ સાધતા કહ્યું કે, ગુજરાતમાં મહિલા-બાળકલ્યાણ તેમજ કન્યા શિક્ષણ માટે રાજયના બજેટમાં વિશેષ પ્રાવધાન કરી ''વ્હાલી દિકરી'' જેવી કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે.

 તેમણે ઉમેર્યુ કે, બેટી બચાવો – બેટી વધાવો સાથે બેટી પઢાઓનો ધ્યેય સાકાર કરવા દિકરીઓ માટે શિક્ષણની અદ્યતન સુવિધાઓ ઉભી કરી છે.

ગુજરાતમાં ઘરઆંગણે સમયાનુકુલ ઉચ્ચશિક્ષણની તકો મળે તે માટે ૬૦ જેટલી યુનિવર્સિટી વિવિધ અભ્યાસક્રમો સાથે રાજયમાં કાર્યરત છે તેની ભૂમિકા પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ આપી હતી.  તેમણે આ બહેનો-માતા-વિદ્યાર્થીઓને જનપ્રતિનિધિઓ પ્રજાજીવનને સ્પર્શતા પ્રશ્નોને વિધાનગૃહમાં પ્રશ્નોત્તરી દરમ્યાન વાચા આપીને લોકમતનો પડઘો પાડે છે તે અંગે પણ સમજ આપી હતી.

 મુખ્યમંત્રીશ્રીએ અંતમા માતાઓ-બહેનો અને વિદ્યાર્થીનીઓ સાથે સમૂહ તસ્વીર લેવડાવી પોતાની આગવી સહજતાનો પરિચય આપ્યો હતો.

(11:41 am IST)