Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વિધાનસભાની સાથે સાથે...

જુદા જુદા વિષયો પર ગૃહમાં માહિતી અપાઈ

ગાંધીનગર, તા. ૧૦ : ગુજરાત વિધાનસભામાં જુદા જુદા વિષયો અંગે માહિતી આપવામાં આવી હતી. વિધાનસભાની સાથે સાથે નીચે મુજબછે.

અરજદારની સમસ્યાઓ ઝડપથી ઉકેલાશે

મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, ટેકનોલોજીનો લોકહિતમાં ઉપયોગ કરી આ સરકારે બિનખેતી અંગે ઓનલાઇન અરજીઓ સ્વીકારી ઝડપથી નિકાલ થાય તેવો ક્રાંતિકારી નિર્ણય લીધો છે. રાજકોટ જિલ્લામાં બિનખેતી ઓનલાઈન અરજી અંગે મંત્રીએ જણાવ્યું કે, ઓનલાઈન પદ્ધતિથી અરજદારે સંબંધિત કચેરીમાં આવવાની જરૂર રહેતી નથી. કોઈ પણ સ્થળેથી ૨૪ કલાક ગમે ત્યાંથી ઓનલાઈન અરજી કરી શકે છે. વધુમાં પહેલા અરજીના નિકાલમાં ૧૭ દિવસનો સમય થતો હતો તે હવે ત્રણ દિવસમાં થાય છે. મંત્રીએ જણાવ્યું કે ઓનલાઈન પદ્ધતિથી માનવસહજ ક્ષતિઓ દૂર થાય છે એટલું જ નહીં ઘણો ડેટા સિસ્ટમ પોતે ઓનલાઇન મેળવી લે છે તેવી વ્યવસ્થાથી અરજદારના સમયમાં બચત થાય છે. ઓનલાઈનની વ્યવસ્થા ન હોય તે કલેક્ટર કચેરીના અને તાલુકાના જનસેવા કેન્દ્ર અને હેલ્થ સેન્ટરો પરથી કોઇપણ અરજદાર અરજી કરી શકે છે અને તેમાં ક્ષતિ હોય તો એસએમએસ થી જાણ કરવામાં આવે છે. મંત્રીએ રાજકોટ જીલ્લાની વિગતો આપતા જણાવ્યું કે, રાજકોટ જિલ્લામાં એક વર્ષમાં ૭૨૫ અરજીઓ આવી હતી જેમાંથી ૫૬૬ મંજૂર કરવામાં આવી છે.

પંચમહાલમાં બે વર્ષમાં ૮ હજારથી વધુ વારસાઈ હકની નોંધ

રાજ્ય વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પંચમહાલ જિલ્લામાં વારસાઈ હકની અરજીઓ સંદર્ભના પ્રશ્નનો મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રત્યુત્તર પાઠવ્યો હતો. મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં તારીખ ૩૧-૦૩-૨૦૧૯ની સ્થિતિએ બે વર્ષમાં ૧૦૭૫૨ વારસાઈ હકની અરજીઓ મળી હતી. જે પૈકી ૮૫૩૧ નોંધો મંજુર કરવામાં આવી હતી. જ્યારે ૨૪૬ નોંધો નામંજૂર કરવામાં આવી હતી. મંત્રીએ અરજદારોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, વારસાઈ હકોની અરજી કરતી વખતે અરજદારો પુરતા દસ્તાવેજો રજૂ કરે કે જેથી અરજીઓ નામંજૂર થાય નહીં. આ અરજીઓ નામંજૂર થવાના કારણોમાં ૧૩૫-ડીની નોટીસ નહીં બજાવવા, તકરારી હોવા કે મરણના દાખલા ન હોવાથી અરજીઓ નામંજૂર થાય છે. આ ઉપરાંત પેઢીનામામાં વિસંગતતા હોવી, વારસદારોમાં મરણના પ્રમાણપત્રો ન હોવા, નામ કે અટકમાં વિસંગતતા કે વારસોની અધૂરી માહિતીથી પણ અરજી નામંજૂર થાય છે.

૬૦ થી વધુ વયના નિરાધાર વૃદ્ધોને ૭૫૦/-ની પેન્શન સહાયની જોગવાઈ

રાજ્યમાં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ અમરેલી જિલ્લામાં તા.૩૧-૦૩-૨૦૧૯ની સ્થિતિએ ૨૮૮૫ અરજીઓ મળી હતી, જેમાંથી ૨૪૫૧ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે ૩૪૦ જેટલી અરજીઓ નિયત વય ન ધરાવતા, બીપીએલ યાદીમાં ન હોવાથી, જે તે સ્થળે ન રહેતા હોવાથી અને અવસાન થવાથી નામંજૂર કરવામાં આવી છે. ગૃહમાં સુરત (ઉત્તર)ના ધારાસભ્ય કાંતિ બલર દ્વારા અમરેલી જિલ્લામાં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ કેટલી અરજીઓ મંજૂર કરાય તે સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વર પરમારે ઉપર પ્રમાણે જણાવ્યું હતું. રાજ્યમાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૫૦ અને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૨૦૦ એમ કુલ ૭૫૦, જ્યારે ૮૦ વર્ષથી વધુ વયનાં વૃદ્ધોને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૦૦ અને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૫૦૦ એમ કુલ રૂપિયા ૧૦૦૦/-ની સહાય આપવામાં આવે છે. આ યોજનાની માહિતી તાલુકા મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી તેમજ કલેકટર કચેરીના સેવા કેન્દ્રો ઉપર ઉપલબ્ધ થઇ શકશે. આ અંગેની અરજી મંજુર કરવાની સત્તા મામલતદાર પાસે છે. જો અરજી નામંજૂર થાય તો અરજદાર પ્રાંત અધિકારીને અપીલ કરી શકે છે, તેમ ધારાસભ્ય રાઘવજીભાઈ દ્વારા પૂછાયેલા પૂરક પ્રશ્નોનો ઉત્તર આપતા મંત્રીએ ગૃહમાં કહ્યું હતું.

૯૨ હજાર નિરાધાર વૃદ્ધોને બેંક ખાતામાં સીધી સહાય ચૂકવાય છે

રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના સબળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે રાજ્યના નિરાધાર વૃદ્ધોની પુરતી સંભાળ લઈ તેમને નિરાધાર વૃદ્ધ સહાય નિયમિત ચૂકવાય તેની પણ ચિંતા કરી છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ ૯૨ હજાર વૃદ્ધોને માસિક રૂપિયા ૭૫૦ની સહાય સીધી બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. અગાઉ આ સહાય પોસ્ટ ખાતા દ્વારા મનીઓર્ડરથી ચૂકવાતી હતી. જેમાં અંદાજે રૂપિયા પાંચ કરોડનું કમિશન ચૂકવાતુ હતું. હવે સહાય સીધી લાભાર્થીના ખાતામાં જમા થતી હોવાથી રાજ્ય સરકારને આ કમિશનની બચત થઈ રહી છે. રાજ્ય વિધાનસભામાં અમદાવાદ જિલ્લામાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના સંદર્ભના પ્રશ્નમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તારીખ ૩૧-૦૩-૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં અમદાવાદ જિલ્લામાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ ૨૧૦૩ અરજીઓ મળી હતી જે પૈકી ૧૮૧૮ અરજીઓ મંજૂર અને ૨૫૮ અરજીઓ નામંજૂર કરાઇ હતી. આ અરજીઓ નામંજૂર થવાના કારણોમાં નિયત કરતાં વધુ આવક, પુખ્ત વયનો પુત્ર હોય, લાભાર્થીની ઉંમર ઓછી હોય, નિર્દિષ્ટ સ્થળે વસવાટ કરતા ના હોય કે લાભાર્થીનું મૃત્યુ થયું હોવાના કિસ્સામાં અરજી નામંજુર કરવામાં આવે છે.

 કન્યાઓને શિક્ષણ માટે સરસ્વતી સાધના યોજના આશીર્વાદરૂપ

સામાજિક ન્યાય અધિકારીતા રાજ્ય મંત્રી વાસણ આહીરે જણાવ્યું છે કે, વિકસતી જાતિની કન્યાઓને શિક્ષણ મેળવવા શાળાએ આવવા-જવા માટે અમલી 'સરસ્વતી સાધના યોજના'  સાચા અર્થમાં આશીર્વાદરૂપ નીવડી છે. મહેસાણા જિલ્લામાં વિકસતી જાતિની ૯૭૭૨ કન્યાઓને રૂપિયા ૩.૪૯ કરોડના ખર્ચે સાયકલ સુવિધા પુરી પડાઇ છે. વિધાનસભા ખાતે મહેસાણા જિલ્લામાં સરસ્વતી સાધના યોજનાના સવાલના પ્રત્યુત્તરમાં મંત્રી આહિરે ઉમેર્યું કે, આ યોજનાનો લાભ લેવા ઇચ્છતી વિકસતિ જાતિની કન્યાઓ ધોરણ નવ પાસ હોવી જોઈએ. આ માટે તેના વાલીની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તાર માટે ૧.૨૦ લાખ તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા ૧.૫૦ લાખની નિયત કરાય છે. આ યોજનાનો લાભ એક જ કુટુંબની બે બહેનોને પણ આપવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું. પંચમહાલ જિલ્લામાં 'સરસ્વતી સાધના યોજના' હેઠળ તમામ તાલુકાઓમાં રૂપિયા ૨.૯૬ કરોડના ખર્ચે ૮૨૯૨ કન્યાઓને સાયકલ સુવિધાઓ પુરી પડાય છે. આ સાઈકલની ખરીદી માટે વિભાગ દ્વારા એક કમિટીની રચના કરાય છે અને ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને જે લોઅર આવે તેને ટેન્ડર આપવામાં આવે છે. આ વર્ષે રૂપિયા ૩૫૧૬/-ના ખર્ચે એક સાઇકલની ખરીદી કરીને કન્યાઓને પૂરી પાડવામાં આવી છે.

 રાજ્યમાં બાળ મજૂરી નાબુદી માટે રાજ્ય સરકાર કટિબદ્ધ

શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું છે કે, રાજ્યમાં બાળ મજૂરી નાબૂદ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ માટે સમયાનુસાર ઔદ્યોગિક એકમોની તપાસ કરવામાં આવે છે અને આ બાળકોને તેમના વાલીઓને સોંપીને તેમના શિક્ષણની સુવિધાઓ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. વિધાનસભા ખાતે રાજકોટ અને છોટાઉદેપુર જિલ્લામાં શ્રમ કાયદા ભંગના પ્રશ્નના પ્રત્યુત્તરમાં  મંત્રી ઠાકોરે ઉમેર્યું કે, આ બંને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં શ્રમ કાયદાના ભંગ માટે ૨૦૫૮ ઔદ્યોગિક એકમોની તપાસ કરવામાં આવી છે જે પૈકી ૭૮ એકમો કસૂરવાર જણાયા છે અને ૨૧૮ કસૂરવાર એકમો સામે એક કરતા વધુ ક્ષતિઓ જણાતા કોર્ટ કેસ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં જે ૨૧૭ કસૂરવાર જણાયા છે, તેમની પાસેથી ૧૨,૮૬,૫૦૦નો દંડ પણ વસુલ કરાયો છે.

(9:51 pm IST)