Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

નવસારી : સ્પેશ્યાલિટી કેન્સર હોસ્પિટલનું ટુંકમાં જ નિર્માણ

ધ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા બનશેઃ નિરાલી મેડિકલ ટ્રસ્ટ, ટાટા ટ્રસ્ટ વચ્ચે સમજૂતિ : ગરીબ, જરૂરિયાતમંદ વર્ગો માટે આ હોસ્પિટલ આશીર્વાદ સમાન

અમદાવાદ,તા. ૧૧: લાર્સન એન્ડ ટુબ્રોના ગ્રુપ ચેરમેન એ.એમ.નાઇક દ્વારા સ્થાપિત ધ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના નવસારી ખાતે અદ્યતન એવી સ્પેશ્યાલિટી કેન્સર હોસ્પિટલની સ્થાપના કરશે. આ અદ્યતન હોસ્પિટલનું સમગ્ર સંચાલન ટાટા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. શ્રી નાઇકના જન્મસ્થાન એવા નવસારીમાં આ પ્રસ્તાવિત હોસ્પિટલની સ્થાપના પાછળનો હેતુ કેન્સર સામેની લડાઈમાંસમાજના જરૂરિયાતમંદ વર્ગોને સાથ સહકાર આપવાનો છે.  નવસારીની આ પ્રસ્તાવિક કેન્સર હોસ્પિટલ સ્થાપવા અને તેના સંચાલન સંદર્ભે આજે નિરાલી મેડિકલ ટ્રસ્ટ અને ટાટા ટ્રસ્ટ વચ્ચે સમજૂતી કરાર પણ થયો હતો. આ પ્રસંગે શ્રી એ.એમ.નાઇક અને શ્રી રતન એન.ટાટા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી એમ.એમ.નાઇકે જણાવ્યું હતું કે, આધુનિક હેલ્થકેર સુવિધાઓની ઉપલબ્ધતા સામાજિક વિકાસ અને સુખાકારી માટે પૂર્વ જરૂરિયાત છે. ધ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ સમાજના તમામ વર્ગોને અત્યાધુનિક તબીબી સારવારનો લાભ પૂરો પાડવા કટિબધ્ધ છે. નિરાલી ટ્રસ્ટની આ પહેલ જરૂરિયાતમંદ દર્દીઓ, ખાસ કરીને સમાજના વંચિત વર્ગોને વાજબી ખર્ચે શ્રેષ્ઠ સારવાર આપવામાં ઘણી મદદરૂપ સાબિત થશે. ટાટા ટ્રસ્ટ કેન્સરની સારવારના ક્ષેત્રમાં તેની નવીન પહેલો માટે દેશભરમાં પ્રતિષ્ઠિત છે અને તેની સાથે નવસારીમાં સ્પેશ્યાલિટી કેન્સર હોસ્પિટલ સ્થાપિત કરવા નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટનું જોડાણ કરવાની મને ખુશી છે. દરમ્યાન શ્રી રતન ટાટાએ જણાવ્યું હતું કે, કેન્સરના રોગ સામે યુધ્ધના ધોરણે લડવાની જરૂર છે. નવસારીમાં આ પ્રસ્તાવિત અદ્યતન અને સ્પેશ્યાલિટી કેન્સર હોસ્પિટલ બનવાથી દર્દીઓ માટે કેન્સરની સારવાર સરળ અને સુલભ બનશે. ધ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ એકબાજુ, હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ અને અત્યાધુનિક ઉપકરણ સાથે હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરશે ત્યારે ટાટા ટ્રસ્ટ દર્દીઓની સારસંભાળ અને રોજિંદી કામગીરી માટેની જવાબદારી સંભાળશે.

નવસારીની કેન્સર હોસ્પિટલ કલીનીકલ પેથોલોજી, હાઇ એન્ડ લિનિયર એકસલરેટર, હિસ્ટોપેથોલોજી, બાયોકેમેસ્ટ્રી, યુએસજી, ડિજિટલ એકસરે અને મેમોગ્રાફીથી લઇને સીટી સીમ્યુલેટર્સ, બ્રેકીથેરપી ઓપીડી તેમ જ અદ્યતન ઓપરેશન થિયેટર સુધીની સેવા પ્રદાન કરવા સજ્જ હશે. આ કેન્સર હોસ્પિટલ સમગ્ર દેશમાં ટાટા ટ્રસ્ટે સ્થાપિત કેન્સર સેન્ટર્સના સંપૂર્ણ નેટવર્કનો પણ હિસ્સો હશે.

(9:46 pm IST)