Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

નવી મધ્યસ્થ જેલમાંથી ફોન, સીમકાર્ડ તેમજ ચાર્જર મળ્યા

જેલમાંથી મોબાઇલ મળવાનો સિલસિલો જારી : રાણીપ પોલીસે ત્રણ કેદીઓ વિરૂધ્ધ પ્રતિબંધિત ચીજ્વસ્તુ રાખવા બદલ ગુનો નોંધીને વિસ્તારપૂર્વક તપાસ શરૂ કરી

અમદાવાદ, તા.૧૧ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૪જી જામર લગાવી દીધાં છે અને થોડાક સમય પહેલા ફૂલ બોડી સ્કેનર મશીન મૂકી દીધું હોવા છતાંય છાશવારે ને છાશવારે મોબાઇલ ફોન અને સિમકાર્ડ મળી આવે છે. ગઇકાલે નવી મધ્યસ્થ જેલમાંથી ત્રણ કાચા કામના કેદીઓ પાસેથી એક મોબાઇલ ફોન, સિમકાર્ડ અને ચાર્જર મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. રાણીપ પોલીસે આ સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા અસલમભાઇ કુરેશીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ત્રણ કાચા કામના કેદી વિરુદ્ધમાં પ્રતિબંધીત ચીજ વસ્તુ રાખવા બદલ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે ગઇકાલે નવી મધ્યસ્થ જેલ સર્કલ યાર્ડની બેરેકમાં ફરજ બજાવતા જેલ સહાયક કિશનસિંહ મકવાણાએ કાચા કામના કેદી એવા વિજય સુદર્શનભાઇ તેલુગુની અંગ જડતી લીધી હતી. વિજય પાસેથી જેલ સહાયકને એક સિમકાર્ડ મળી આવ્યું હતું. જેલ સત્તાધીશોએ આ મામલે વિજયની પૂછપરછ કરતાં સિમકાર્ડ કાચા કામના કેદી કલ્પેશ પટણી અને તેજેન્દ્રસિંહ પરિહારે આપ્યું હોવાનો ખુલાસો થયો હતો. જેથી જેલર સહિતના કર્મચારીઓ બેરેકની તપાસ કરતાં તેમાંથી બે ચાર્જર અને એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. આ મામલે જેલરે રાણીપ પોલીસ સ્ટેશનમાં વિજય, કલ્પેશ અને તેજેન્દ્રસિંહ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. રાણીપ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને જપ્ત થયેલો મોબાઇલ ફોન તેમજ સિમકાર્ડને એફએસએલકચેરીએ મોકલી આપવામાં આવ્યા છે. સાબરમતી જેલમાં ચુસ્ત સુરક્ષા અને લોખંડી બંદોબસ્ત હોવાના દાવા જેલ સત્તાધીશો દ્વારા અવારનવાર કરવામાં આવતા હોય છે ત્યારે છાશવારે મોબાઇલ-ચાર્જર મળવાનો સિલસિલો જારી રહેલાં જેલતંત્રની સુરક્ષા વ્યવસ્થા ખુદ સવાલોના ઘેરામાં આવી ગઇ છે. રાણીપ પોલીસે ઉપરોકત બનાવ અંગે જરૂરી તપાસ હાથ ધરી છે.

(7:39 pm IST)