Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

દારૂબંધીના કારણે ગુજરાતના ૨ કરોડ દારૂ પીનારા લોકોના માનવ અધિકારોનું હનનઃ દારૂ ઉપરનો પ્રતિબંધ હટાવવા હ્યુમન રાઇટ્સ સમક્ષ સુરતના વકીલ કૃશાલકુમાર શેલડીયાની માંગણી

રાજકોટઃ દારૂ ઉપરનો પ્રતિબંધ હટાવવા હ્યુમન રાઇટ્સ સમક્ષ સુરતના વકીલ અને સમાજ સેવક કૃશલકુમાર ધનજીભાઇ શેલડીયાએ માંગણી કરીને રાજ્ય સરકાર વિરૂદ્ધ પગલા ભરવા માંગ કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં દારૂબંધીના કારણે દારૂ પીનારા ૨ કરોડ લોકોના માનવાધિકારોનું હનન થયું છે.

તેઓએ જણાવ્યું છે કે ભારતના કોઇપણ રાજ્યમાં ન પીવાતો હોય એટલો દારૂ તો ગુજરાત પોલીસ જમા માં લઇ લે છે. એટલે કે ગુજરાતમાં પીવાના દારૂના પ્રમાણમાં દારૂ પ્રતિબંધ હટાવવામાં આવે તો ઘટાડો થશે. કયારેક કયારેક દારૂ મળતો હોવાના કારણે દારૂનું સેવન લોકો વધુ પ્રમાણમાં કરતા થયા છે. વિશ્વમાં દારૂની સૌથી વધુ તતડ ધરાવતા લોકો ગુજરાતમાં છે. કેમ કે ૯૦ રૂપિયાના બીયરની કિંમત ગુજરાતની જનતા ૨પ૦ રૂપિયા આપીને તેમજ દારૂની એક બોટલના ૩૦૦ની જગ્યાએ કાળાબજારીમાં ૯૦૦ રૂપિયા આપીને પણ પોતાની તલપ મીટાવે છે. ગાંધીજીના કારણે જ જો દારૂબંધી પર નાટકો થતા હોય તો દીવ, દમણની જેમ પોરબંદરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપી દેવો જોઇએ. અને પોરબંદરમાં દારૂબંધી કરી દેવી જોઇએ, જેથી અન્ય લોકોને નુકશાન સહન ના કરવું પડે. જનતા રેડ... નામ સારૃં લાગે છે. પણ આ સામાન્ય જનતા નથી કરી શકતી. અને આમ કરવાથી બુટલેગરને નુકસાન કરતા પોલસના હપ્તામાં વધારો થાય છે. તેમજ આ હપ્તાઓ વહીવટી તંત્ર સુધી પહોંચે છે, જે ખરેખર જનતાના ભલા માટે વપરાતા ટેકસના બદલે આ વહીવટદારોના ખિસ્સામાં જાય છે. ગુજરાત સરકાર દારૂબંધી શા માટે હટાવતી નથી ? અને દારૂબંધીથી ગુજરાતની જનતાને શું ફાયદો થાય છે ? એક સર્વે મુજબ ફકત સુરતમાં ચાલતા દારૂના અડ્ડાની સંખ્યા પ૦થી વધુ છે. જ્યારે દારૂનો ધંધો કરતા લોકો ૨૦૦૦ જેટલા છે. અને આ સર્વે મુજબ પુરા ગુજરાતમાં દારૂના અડ્ડાની સંખ્યા ૨પ,૦૦૦થી વધુ છે અને ૨ લાખ લોકો આ ધંધો કરે છે. ગુજરાતમાં ઘણીવાર મોટા મોટા લઠ્ઠાકાંડ થયા છે અને આ દરેક કાંડમાં મૃતકોને ૪-૪ લાખ જેટલું વળતર સરકાર દ્વારા આપવામાં આવે છે. જેમાં ખરેખર કાયદામાં આવી કોઇ જોગવાઇ ના હોવા છતાંય સરકાર દ્વારા હજારો લોકો દ્વારા ભરવામાં આવતા ટેકસના નાણા ખોટી રીતે વેડફવામાં આવે છે. તો કોર્ટના પ થી ૧૦ વર્ષ ધક્કા ખાઇ કેસ લડી નિર્દોષ જાહેર થનારને પણ સરકારે વળતર આપવું જોઇએ ?

નોટબંધીની જેમ દારૂબંધી માટે રાતોરાત જાહેરાત થવી જોઇએ અને વિધીવત આ માટે કાયદાનું નિર્માણ થવું જોઇએ. ગેરકાયદેસર દારૂ વેચાય છે, તો લઠ્ઠાકાંડમાં કવોલિટી વગર દારૂ પીને મરનારને વળતરની સરકાર કેમ જોગવાઇ કરે છે ? ગુજરાતના ગામે-ગામ અને શહેરમાં ગલીએ-ગલીએ દારૂ હોમ ડિલીવરીથી મળે છે, તો ગુજરાતમાં આ દારૂબંધીનું નાટક કેમ ? પોલીસ દારૂબંધી માટે યોગ્ય કાર્યવાહી કરશે નહિ કેમ કે પોલીસની રહેમરાહ હેઠળ જ દારૂના અડ્ડા ચાલે છે. જો દારૂબંધી હટાવવામાં આવે તો ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે. ગુજરાતમાં જે લોકો દારૂ ગેરકાયદેસર રીતે મેળવીને ન પીતા હોય તે લોકો દિવ, દમણ, સેલવાસ, આબુ અને રતનપુર બોર્ડર પર પીવા જવા માટે લોકો કરોડોનું ડીઝ અને પેટ્રોલ વેડફે છે. દારૂને જો કાયદેસર પીવા-વેચવાની પરવાનગી આપવામાં આવે તો સરકારને વર્ષે કરવેરામાં કરોડોનો ફાયદો થાય એમ છે. બુટલેગરો પાસેથી પોલીસ, એમ.એલ.એ. અને પત્રકારો વર્ષે પ,૦૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કરે છે તેને સરકારી આવકમાં તબદીલ કરો. ગુજરાતમાં જો દારૂબંધી દૂર કરવમાં આવે તો શું શું ફાયદા થઇ શકે અને આમાં ગુજરાતની જનતાના માનવાધિકારીનો ભંગ કઇ રીતે થાય છે એ પાસાઓ મહત્વના છે તેમ કૃશાલકુમાર ધનજીભાઇ શેલડીયાએ અંતમાં જણાવ્યું છે.

(6:41 pm IST)