Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

વાલીઓએ વેક્સિન લગાવી હશે તો ફીમાં 5 ટકાનું ડિસ્કાઉન્ટ અપાશે : અમદાવાદની શાળાની પહેલ

અમદાવાદ ઉદગમ સ્કુલ ફોર ચિલ્ડ્રન, જેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન દ્વારા અનોખી ઓફર

અમદાવાદ : રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને કારણે બીજી લહેર પૂર્ણ થવાના આરે છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકોને સમય આવે કોરોના વેક્સીન લેવાનું સૂચન કરવામાં આવી રહ્યુ છે.

રસીકરણને લઈને અમદાવાદની એક શાળા દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેરની નિષ્ણાંતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે અમદાવાદની એક શાળાએ ત્રીજી લહેરને અટકાવવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. અમદાવાદ ઉદગમ સ્કુલ ફોર ચિલ્ડ્રન, જેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, જે વાલીઓએ કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા હશે તે બાળકોના વાલીઓને શાળા દ્વારા વાર્ષિક ફીમાં પાંચ ટકાની રાહત આપવામાં આવશે પરંતુ આ ઓફરનો લાભ 31 ઓક્ટોબર 2021 પહેલાં જે વાલીઓ કોરોના રસી લેશે તેમને જ મળશે.

 

આ બાબતે સ્કૂલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીનું કહેવું છે કે, કોરોનાની બીજી લહેરની ખૂબ જ ઘાતક અસર થઈ હોવા છતાં પણ લોકો કોરોના વેક્સીન લેવાથી ખચકાય રહ્યા છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, એક અભ્યાસ મુજબ કોરોના વેકસીન લીધા પછી જો કોરોનાનો ચેપ લાગે તો પણ આ બીમારીના કારણે મૃત્યુ થવાની શક્યતા લગભગ નહીંવત છે અને નિષ્ણાતો પણ કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. જેથી કરીને દરેક નાગરિક વેક્સીન લઇ લે તે હાલમાં સમયની જરૂરિયાત છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારના રસીકરણ અભિયાનને સમર્થન આપવા અને વાલીને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા અમે આ પહેલ શરૂ કરી છે. જેમાં અમે બેથી સાડા ત્રણ કરોડની ફીમા રાહત આપવા માગીએ છીએ. અમારી ચારેય સ્કૂલના 238 કલાસના 19,000થી વધારે વાલી સમુદાયને રસીકરણ માટે આવરી લેવાનો લક્ષ્‍યાંક છે. ફીમાં ડિસ્કાઉન્ટ મેળવવા માટે બાળકોના માતા-પિતાએ વેક્સીન લીધાનું સર્ટિફિકેટ આપવાનું રહેશે.

(8:00 pm IST)