Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

વડોદરાના અકોટા વિસ્તારમાં ફુલસ્પીડે આવતી કરે બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત

વડોદરાઃશહેરના અકોટા વિસ્તારની હોટલમાં રોકાયેલા હરિયાણાના એક યુવકે આજે બેદરકારી પૂર્વક ફુલસ્પીડે કાર હંકારતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.સારાનશીબે આ  બનાવમાં એક બાઇક ચાલકનો અદ્ભૂત બચાવ થયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે,ગુડગાંવ ખાતે રહેતો ગુરૃબિન્દરસિંગ હરિપસિંગ વીરદી તા.૬ઠ્ઠીએ કાર લઇ અકોટાની હોટલમાં રોકાયો હતો.આજે તે હોટલમાંથી નીકળ્યો ત્યારે ફુલસ્પીડે કાર હંકારતા પાર્ક કરેલી કારને અડફેટમાં લીધી હતી.આ વખતે એક બાઇક ચાલક કૂદી પડતાં તેનો બચાવ થયો હતો.જ્યારે બાઇકને નુકસાન થયું હતું.

કારચાલકે હોટલના એન્ટ્રી ગેટમાં કાર ઘૂસાડી દેતાં ગેટને નુકસાન થયું હતું.બનાવના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટોળું  ભેગું થતાં યુવક કારમાંથી ઉતરી હોટલમાં ચાલ્યો ગયો હતો.ગોત્રી પોલીસ આવી જતાં યુવકને પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો.

પ્રાથમિક તપાસમાં આ યુવક હરિયાણાથી અજમેર જવાના નામે નીકળ્યો હતો અને ત્યાંથી એક ટ્રાવેલ એજન્સી મારફતે વડોદરા આવ્યો હતો.આ યુવકની વર્તણૂકના કારણે હોટલનો સ્ટાફ પણ રોષે ભરાયો હતો અને તેને રૃમ ખાલી કરવા ગઇકાલે જણાવ્યું હતું.જો કે આ  બનાવ અંગે કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી.

(5:52 pm IST)