Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોની સારવાર કરનાર બોગસ ડોક્ટરનો ભાંડો ફૂટ્યો

વિરમગામ:શહેર અને તાલુકામાં બોગસ ડોકટરનો રાફડો ફાટયો છે ત્યારે બાતમીના આધારે વિરમગામ ટાઉન પોલીસ મથકનો સ્ટાફ શહેરના મુખ્ય હાર્દ સમાન ગોલવાડી દરવાજાથી ભરવાડી દરવાજા રોડ ઉપર આવેલ સીટીમહેલ કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે સાણંદવાળા બાળકોનું દવાખાનું નામના દવાખાનામાં ડોકટર તરીકે એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર તબીબીની પ્રેક્ટીસ કરતા હોવાની બાતમીના આધારે રેઇડ કરતા યુનુસભાઇ સરદારભાઇ વાઘેલા રહે. ભોઇવાસ, ગામઃ સાણંદના બોગસ ડોકટરને ઝડપી પાડી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ બોગસ ડોકટર ધો. ૧૨ સુધી અભ્યાસ કરેલ છે. દવાખાનાની અંદરથી એલોપેથી દવા, મેડીકલના સાધનો, વજનકાંટો સહિત ૩૫,૬૧૨ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવા બોગસ ડોકટરનું વિરમગામ તેમજ તાલુકામાં બિલાડીના ટોપની જેમ એમનું સામ્રાજ્ય જમાવીને બેઠા છે

વિરમગામ શહેરનું આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિદ્રામાં હોઇ તેવું લાગી રહ્યું છે. પોલીસ દ્વારા રેઇડ પાડી બોગસ ડોકટરને ઝડપી પાડે છે ત્યારે આરોગ્ય વિભાગ પોતાની ફરજ ક્યારે નિભાવશે તે પ્રશ્ન નગરજનોમાં ચર્ચાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારી વિરમગામ શહેર અને પંથકમાં તટસ્થ નિષ્પક્ષ તપાસ કરે તો બોગસ ડોકટર ઝડપાઇ શકે છે.

(5:40 pm IST)