Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાને લઈને પોલીસની મંજૂરી વિના કેન્દ્ર સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના ૧૦૦થી વધુ કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને નેતાઓની અટકાયત : અમિત ચાવડા , ભરતસિંહ સોલંકી સહિતના સામે અટકાયતી પગલા

ગાંધીનગર : પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાને લઈને પોલીસની મંજૂરી વિના કેન્દ્ર સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના ૧૦૦થી વધુ કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને નેતાઓની શુક્રવારે પોલીસે અટકાયત કરી છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારા વિરુદ્ધ કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન અંતર્ગત ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભરૂચ, પાલનપુર અને વડોદરામાં પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ ગાંધીનગરમાં પ્રદર્શનનું નેતૃત્વ કર્યું, જ્યારે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ વડોદરામાં પ્રદર્શનનો નેતૃત્વ કર્યું હતું. જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ દોરડાની મદદથી કારને ખેંચીને વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ અમદાવાદમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ધારાસભ્ય શૈલેશ પરમારે કર્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, રાજ્યના અલગ-અલગ શહેરમાંથી ૧૦૦થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓની મંજૂરી વિના વિરોધ પ્રદર્શન કરવાના આરોપ હેઠળ અટકાયત કરવામાં આવી છે.

ગાંધીનગર પોલીસ સુપરિટેન્ડન્ટ એમ કે રાણાએ જણાવ્યું કે, અહીંના સત્યાગ્રહ છાવણી મેદાન નજીક પ્રદર્શન કરી રહેલા અમિત ચાવડા સહિત અન્ય ૪૦ લોકોની અટકાયત કરવામાં આવી છે.

અમે અમિત ચાવડા ઉપરાંત ગાંધીનગરના ધારાસભ્ય સીજે ચાવડા સહિત કોંગ્રેસના ૪૦ કાર્યકર્તાઓને કોરોના મહામારી દરમિયાન પોલીસની મંજૂરી વિના પ્રદર્શનનું આયોજન કરવાના આરોપ હેઠળ અટકાયત કરી છે. આ તમામ લોકોને છોડવા સંદર્ભે વરિષ્ઠ અધિકારીઓ જલ્દી નિર્ણય લેશે.

બીજી તરફ વડોદરામાં પોલીસે ભરત સોલંકી સહિત કોંગ્રેસના ૨૦ કાર્યકર્તાઓની અટકાયત કરી છે. આજ રીતે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. રાજકોટમાં પણ ૨૦ કોંગ્રી કાર્યકર્તાઓ અટકાયતમાં લેવાયા છે.

કોંગ્રેસ ધારાસભ્ય પરમારે અટકાયતમાં લેવાયા પહેલા કહ્નાં કે, ભાજપ ૨૦૧૪થી કેન્દ્રમાં સત્તામાં આવ્યું, ત્યાર બાદથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્ના છે.

(4:16 pm IST)