Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

વાહ રે સરકારી બાબુઓ, ક્યાં સુધી માનવતાના દુશ્મન બની રહેશો...

અમદાવાદ કસ્ટમ વિભાગે અમેરિકાથી સેવા અર્થે મોકલેલ વીટામીનની દવાઓનું પાર્સલ ચેકિંગના નામે એક માસથી અટકાવ્યુ

અમેરિકન પીટર શાહ ત્યાં સુધી કહે છે કે તમે વિતરણ કરો પરંતુ દવાઓ યોગ્ય લોકો સુધી તો પહોંચવા દયો નેઃ અંદાજે રૂ ૧૦ હજારની દવાઓ મોકલવા રૂ ૧૨ હજારનો તો શીપીગ ખર્ચ કર્યો છે

રાજકોટઃ કહેવાય છે કે નિષ્ઠુર માણસ પણ કટોકટીના સમયે માનવતા નિભાવી જાણે છે, નાસ્તિક પણ કુદરતી પ્રકોપ નિહાળી ભગવાનને ભજવા લાગે છે, વૈશ્વિક મહામારી કોરોનાના કાતિલ પ્રકોપ વચ્ચે આપણે અનેક દુઃખદ ઘટનાઓ જાણી અને અનુભવી છે પરતુ આપણા અમદાવાદના કસ્ટમ વિભાગના સરકારી બાબુઓનું તો કહેવું પણ શું ?

 વિગતથી જણાવીએ તો, કોરોનાની બીજી લહેરની વાત પણ અત્યારે યાદ કરીએ છીએ તો રૂવાટા ઉભા થઇ જાય છે. ગત થોડા સમયમાં જે દશ્યો આપણે જોયા તે ઘણા ગંભીર હતા. દેશભરમાંથી સહુ કોઇએ યથાયોગ્ય મદદ કરી. દેશની સાથોસાથ વિદેશમાંથી પણ આપણે સ્વજનોએ દેશપ્રેમ જતાવી શક્યતઃ મદદ કરી.

 આવી જ રીતે અમેરિકાનાં ન્યુ જર્સમાં વસતા મૂળ ભારતીય પીટર શાહે કોરોના મહામારી સામે લડવા નામાંકિત કંપનીની વીટામીનની ગોળી સ્વખર્ચે ખરીદી અને એક પાર્સલ તૈયાર કરી તા. ૧૩ એપ્રિલ ૨૦૨૧ના રોજ રાજકોટનાં હેમત શાહના નામે પોસ્ટેજ ક્યું. આ પાર્સલ અમદાવાદ સુધી હેમખેમ પહોંચ્યુ. અમદાવાદ પોસ્ટેલ ઓફિસે આ પાર્સલ અમદાવાદની કસ્ટમ ઓફિસને વેરીફાય કરવા આપ્યું.

 દવાઓનું આ પાર્સલ અમદાવાદ કસ્ટમ ઓફિસમાં મે ૨૦૨૧થી પડ્યું છે. તેઓએ તા. ૧૩/૫/૨૦૨૧નાં લખેલ પત્ર મુજબ હેમંત શાહે કસ્ટમ કલીયરન્સ કરાવવા વિવિધ ડોક્યુમેન્ટ રજુ રાખવા. નહિતર તેઓ આ પાર્સલ પરત અમેરિકા મોકલી દેશે.

 તે દરમ્યાન અમેરિકાના પીટર શાહે અમદાવાદ કસ્ટમ વિભાગને ઇમેઇલ કરી વિનંતી કરી છે કે આપ જો આપ પાર્સલ હેમંત શાહને ન આપો તો કશો વાંધો નથી. આપને યોગ્ય લાગે તે હોસ્પિટલ, સંસ્થા કે દર્દીઓને આપના તરફથી દવાઓનું વિતરણ કરો તો તેઓને આ વસ્તુ ખરા સમયે ઉપયોગી બની રહે. મારે મારા કે અન્ય કોઇના નામની જરૂર નથી પરતુ નથી તો પાર્સલ ડીલીવર કરતા કે નથી કોઇ વ્યવહારુ નિર્ણય પણ આવતા. વિટામીનની દવાઓનું પાર્સલ એકાદ માસથી આપની ઓફિસમાં ધૂળ ખાય છે તે યોગ્ય ન કહેવાય.

 દવાઓના આ પાર્સલમાં વિટામીનની ૧૨ બોટલમાં ૬,૦૦૦ ગોળી અને તેની કિંમત અંદાજીત રૂ।. ૯,૮૫૫/- ગણી શકાય.

 અમદાવાદ કસ્ટમના આ અધિકારીઓ માનવતા સાવ નેવે મૂકી કાર્ય કરી રહ્યા છે. વિદેશથી ચેરીટીમાં આવેલ દવાઓની ખરાઇ કરી, દર્દીઓની જરૂરીયાત ન સમજી ફકત કાયદાકીય કામગીરીમાં જ આગળ વધી રહ્યા છે. 

પીટર શાહે રૂ।. ૯,૮૫૫/-ની દવાઓ ભારત મોકલવા માટે રૂ।. ૧૧,૫૩૪/- શીપીગ ખર્ચ ક્યો છે. જો આ દવાઓ અમદાવાદના કસ્ટમ અધિકારીઓ પરત અમેરિકા મોકલવાનું નક્કી તો ખરેખર તો સોના કરતા ઘડામણ મોંઘુ એવો ઘાટ થાય.

 આ સમગ્ર ઘટના ક્રમથી વ્યથિત પીટર શાહ ઘોર હતાશ થઇ અંધકારમાં પ્રકાશની એક આશ જોઇ રહ્યા છે. કદાચ કસ્ટમ અધિકારીઓ નિયમોથી સાથોસાથ માનવતાની નજરે આ સમગ્ર ઘટના ક્રમ નિહાળે અને સહુના હિતમાં નિર્ણય કરે તેવી આશા છે. (અલ્પેશ મહેતા, મીડીયા કો-ઓર્ડીનેટર, નાગરીક બેંક, રાજકોટ દ્વારા)

(3:27 pm IST)