Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

નડિયાદના નવાગામમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 4 શકુનિઓની ધરપકડ કરી

નડિયાદ: તાલુકાના નવાગામમાં શેઢી નદી પાસે આવેલ બળવંતસિંહ ઉર્ફે ભોપો કેસરીસિંહ સોઢા (રહે.નડિયાદ)ના ખેતરમાં જુગાર રમાતો હોવાની માહિતી નડિયાદ રૂરલ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં બળવંતસિંહ ઉર્ફે ભોપો કેસરીસિંહ સોઢા, સરદારભાઈ ઉર્ફે સદાભાઈ મણીભાઈ સોઢા (રહે.નવાગામ) તેમજ અન્ય ત્રણ જુગારીઓ પોલીસને હાથતાળી આપી ભાગી છુટવામાં સફળ બન્યાં હતાં. જો કે પોલીસે સ્થળ પરથી તીનપત્તીનો જુગાર રમતાં ચાર જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. જેમાં સલીમ અબીલ ચકલાસીયા, સલીમ મહેબુબ વીણાવાલા, સલીમબેગ સદરૂબેગ મીર્ઝા અને સલીમભાઈ સતારભાઈ વ્હોરા (તમામ રહે.નડિયાદ) નો સમાવેશ થાય છે. આ ચારેય જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૧૬,૫૦૦ તેમજ દાવ પરના રૂ.૨૨૫૦ મળી કુલ રૂ.૧૮,૭૫૦ની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત સ્થળ પરથી રૂ.૧,૦૦,૦૦૦ ની કિંમતનું રજિસ્ટ્રેશન નંબર વગરનું રોયલ એનફિલ્ડ બુલેટ બાઈક, રૂ.૧,૦૦,૦૦૦ ની કિંમતની સીએનજી રીક્ષા નં જીજે ૦૭ એટી ૮૯૯૦ તેમજ હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાઈકલ નં જીજે ૦૭ સીએલ ૦૦૩૧ જેની કિંમત રૂ.૨૦,૦૦૦ મળી કુલ રૂ.૨,૨૦,૦૦૦ ની કિંમતના ત્રણ વાહનો મળી આવ્યાં હતાં. 

(5:33 pm IST)
  • વાયુ વાવાઝોડુ આવતી કાલે બપોર સુધીમાં મુંબઈથી અઢીસો કિલોમીટર દૂર પહોંચી જશે. સમુદ્ર થી દૂર રહેવું હિતાવહ હોવાનું જાણીતા વેધર એનાલિસ્ટ અક્ષય દેવરસે આજે રાત્રે ટ્વિટ ઉપર જાહેર કર્યું છે. સમુદ્રની તોફાની સ્થિતિ અને પવન ફૂંકાતો રહેશે. લોકોની સલામતી માટે વધારાના પોલીસ અને કોર્પોરેશનના ઓફિસરો દરિયાઈ વિસ્તારોમાં મુકવામાં આવે તેવી સંભાવના છે. અક્ષય દેવરસ પોતાના ટ્વિટમાં જણાવે છે કે વાયુ વાવાઝોડુ મહારાષ્ટ્રના દરિયાકાંઠાની સમાંતરે ઉત્તર દિશામાં સતત આગળ વધશે અને ગુજરાતનો દક્ષિણ સાગરકાંઠો આવતીકાલે 12 જૂનના બપોર પછી અને 13 જૂનના રોજ સતત હાઇ એલર્ટ ઉપર રહેશે. આ સમયે 13 જૂનના દિવસે અતિ ભારે વરસાદ અને નુકસાન પહોંચાડે તેઓ તોફાની પવન ફૂંકાશે. access_time 12:02 am IST

  • ભાવનગરના દરિયાકાંઠાના ૩૪ ગામો માટે હાઇએલર્ટ જાહેર : વાયુ વાવાઝોડાની સંભવીત ખાનાખરાબી ટાળવા ગુજરાત સરકારે ભાવનગરના દરિયાકાંઠાના ૩૪ ગામડાઓ માટે હાઇ એલર્ટ જાહેર કરી દીધેલ છે. સાવચેતી અને લોકોને ખસેડવા સુધીની તમામ તૈયારીઓ યુધ્ધના ધોરણે કરવામાં આવી છે. access_time 11:39 am IST

  • ૨૪ મેના રોજ સુરત ખાતે તક્ષશિલા આર્કેડમાં ફાટી નીકળેલ મહાભાયાનક આગમાં ૨૨ જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો જીવતા સળગી મર્યા હતા. આ બનાવમાં આજે ક્રાઇમ બ્રાન્ચની પોલીસે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી ઈજનેર વી કે પરમારની ધરપકડ કરી છે. access_time 11:45 pm IST