Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

હિટ એન્ડ રન: અમદાવાદમાં કારની હડફેટે આધેડનું ઘટનાસ્થળેજ ઢીમ ઢળ્યું

અમદાવાદ:બેફામ વાહન હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતના બનાવો અમદાવાદમાં વધી રહ્યા છે. લાલદરવાજા સરદારબાગ પાસે પૂર ઝડપે આવી રહેલી કારની ટક્કરથી આધેડનું મોત થયું હતું. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેને પકડવાની તથા મૃતકની ઓળખ પરખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે, કે તા.૬ના રોજ રાત્રે ૯.૩૦ વાગે નહેરુબ્રિજ કોર્નર પાસે સરદારબાગ એએમટીએસ બસ સ્ટેન્ડ બહાર ૫૦ વર્ષના અજાણ્યા પુરુષ રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક સ્વિફ્ટ ડિઝાયર કારનો ચાલક પોતાની કાર પૂર ઝડપે હંકારીને આવી રહ્યો હતો ત્યારે પોતાની કારના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં આધેડને ટક્કર મારી હતી જેથી માથામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારના નંબર તથા સીસીટીવી ફૂટેજ આધારે કારના માલિકની શોધખોળ હાથ ધરી છે. બીજીતરફ મૃતક આધેડની પણ ઓળખ પરખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

(5:24 pm IST)