Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સુરતના હજીરામાં બોટો કિનારે લાંગરાઇઃ વલસાડ-નવસારી તંત્ર દ્વારા તકેદારી રૂપે પગલુ

વાવાઝોડા ''વાયું''ની આગમચેતી રૂપે માછીમારોને દરિયામાંથી પરત બોલાવાયાઃ દરિયો ન ખેડવા સુચના

 સુરતઃતા.૧૧, આગામી ૧૨ થી ૧૪ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે 'વાયુ' વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. સરેરાશ ૧૧૦થી ૧૩૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તથા તેને કારણે સંભવિત ભારે વરસાદને કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈને દક્ષિણ ગુજરાતના માછીમારોને પણ દરિયો ન ખેડવાનો સૂચના અપાઈ છે. અને હાલ હજીરા ખાતે ઉદ્યોગોના વહાણો, સ્ટીમર દરિયા કિનારે લંગારવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતભરમાં ૧૭૦૦ જેટલી બોટો અલગ-અલગ બંદરો પર લંગારવામાં આવી છે.

 અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમ ગુજરાતની દિશામાં આગળ ધપી રહી હોવાના સંકેતના પગલે કલેકટરે કાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા ટ્વીટ કર્યું છે. વલસાડ જિલ્લાની દરિયાઇ સીમા સહિતના વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર, ઓખા, જખૌ, વેરાવળ સુધી જનારા માછીમારોને દરિયો નહિ ખેડવા વલસાડ કલેકટર સી.આર.ખરસાણે ટ્વીટ કર્યું છે.જેમાં આગામી દિવસોમાં મોસમની સક્રિયતાના કારણે માછીમારોએ ખુલ્લા દરિયામાં માછીમારી ન કરવા જણાવ્યું છે.

દરિયો તોફાની થવાની શકયતા દર્શાવી કલેકટરે માછીમારોને માહિતગાર કર્યા છે.છેલ્લા ૩ થી ૪ દિવસથી મોટી સમુદ્રી ભરતીના કારણે તિથલ બીચ પર સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.માછીમારોને આકસ્મિક સંજોગોમાં સાવધ રહેવા જણાવ્યું છે. આ સાથે જરૂર પડ્યે કન્ટ્રોલ રૂમ પર ફોન નં.૦૨૬૩૨-૨૪૩૨૩૮ અને ૦૨૬૩૨-૧૦૭૭ પર સંપર્ક કરવા જણાવ્યું છે.વાદળિયા હવામાન વચ્ચે બે દિવસથી ૬૭ ટકા ભેજ જોવા મળી રહયો છે.

 નવસારી કલેકટર શ્રી મોડીયાએ વાવાઝોડાની સંભાવનાને પગલે જિલ્લામાં જાન માલનું નુકશાન ના થાય તે માટે અગમચેતીના પગલાં રૂપે બેઠક બોલાવી હતી.વાવાઝોડાની અને વરસાદની સંભવિત અસરની શકયતા ધરાવતા જિલ્લાના કાંઠા વિસ્તારમાં રોજગારી અર્થે ગયેલા માછીમારોને તાત્કાલિક પાછા બોલાવી લેવા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકને આદેશ કર્યો છે અને આ સમયગાળા દરમિયાન દરિયો ન ખેડવા સૂચના આપી છે.વધુમાં દરિયાકાંઠા વિસ્તારના લોકોને દરિયામાં ન જવા પણ તેમણે તાકીદ કરી છે.

નવસારી જિલ્લામાં સંભવિત વાવાઝોડાની સાથે વરસાદની શકયતાઓને ધ્યાને લઇ અતિ વરસાદ અને વાવાઝોડાની વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી તમામ રાહત -બચાવની સામગ્રી સાથે તંત્રને સજ્જ રહેવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.વધુમાં કલેકટરે લોકોને અફવાઓથી દૂર રહી સંભવિત વાવાઝોડાથી કોઈપણ જાતનો ભય ન રાખી જાગૃત બની સરકારી તંત્રને મદદરૂપ થવા અનુરોધ કર્યો છે.

(3:48 pm IST)