Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

રાજકોટના પીઆઇ નયન ચૌહાણે ગોઠવેલ લાંચના છટકાને કારણે તત્કાલીન વુડાના આઇએએસ અધિકારી મીનાને રાતોરાત બદલાવવામાં આવેલ

'વુડા'ના સીઇઓ સામેની એસીબી કાર્યવાહીથી બહુ નવાઇ પામતા જેવું નથી : યોગાનુંયોગ એસીબી વડા કેશવકુમારના રીપોર્ટ આધારે ગાંધીનગરે કાર્યવાહી કરી હતી : વુડાના તત્કાલીન આઇએએસ અધિકારી શ્રી મીનાને એસીબી વડાના રીપોર્ટના આધારે તાત્કાલીક બદલ્યા બાદ તેમનો ચાર્જ જેમને જે તે વખતે સુપ્રત થયેલ તેવા વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નર પંકજ ઓંધીયા પણ મૂળ રાજકોટના જ રહેવાશી છે

રાજકોટ, તા., ૧૧: વડોદરાના પાદરા વિસ્તારની એક સ્કુલની જમીનના બાંધકામ માટે વેલીડેશન સર્ટીફીકેટ આપવા માટે આર્કીટેક પાસેથી રૂપીયા સવા લાખની લાંચ લેવાના આરોપસર વુડાના સીઇઓ એન.સી.શાહ સામે એસીબીએ કાર્યવાહી કરતા ઉચ્ચકક્ષાના આ અધિકારી તથા જુનીયર ટાઉન પ્લાનર કક્ષાના અધિકારી સામેની કાર્યવાહીથી આશ્ચર્ય સર્જાયું છે.

લાંચના મામલામાં વુડાના ચીફ એકઝીકયુટીવ ઓફીસર કક્ષાના અધિકારી સામે એસીબી કાર્યવાહીને કારણે મુસીબતમાં મુકાવાનું આ પ્રથમ વખત બન્યું નથી. વર્ષ ર૦૧૭માં વડોદરાના આજ વુડામાં એક એન્જીનીયર અને એક આર્કીટેક મોટી રકમની લાંચના છટકામાં ઝડપાયા બાદ યોગાનુયોગ તે સમયે પણ હાલના એસીબી વડા કેશવકુમારે રાજય સરકારને કરેલા રીપોર્ટના આધારે વુડાના તત્કાલીન આઇએએસ કક્ષાના સીઇઓ શ્રી મીનાને તાકીદે વુડામાંથી બદલી વડોદરાના ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશ્નર પંકજ ઓંધીયાને  ચાર્જ અપાયો હતો.

ઉકત પ્રકરણની વિશેષતા એ હતી કે જે તે સમયે ચકચારી લાંચ પ્રકરણનું છટકું હાલ બારડોલી પીઆઇ તરીકે ફરજ બજાવતા મૂળ રાજકોટના જે તે વખતના સુરતના પીઆઇ નયન ચૌહાણ દ્વારા ગોઠવાયેલું હતું. આઇએએસ કક્ષાના સીઇઓની બદલી થયા બાદ જેમને વુડાના સીઇઓનો ચાર્જ સુપ્રત થયેલ તે પંકજ જગદીશભાઇ ઓંધીયા પણ મૂળ રાજકોટના જ વતની છે.

(12:41 pm IST)