Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

બનાસકાંઠાના ગણતા ગામે ૭ માસની બાળકીને ડામ આપ્યા

અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સપાટી પર આવ્યો : ભૂવાએ માસુમ બાળકીની સારવાર કરવાના બહાને ગરમ ચીપીયાથી ડામ આપ્યા : બાળકીની તબિયત ખરાબ થઇ

અમદાવાદ,તા.૧૦  : બનાસકાંઠામાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. લાખણી તાલુકાના ગણતા ગામમાં ૭ માસની એક માસૂમ બાળકીને ડામ આપવામાં આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અંધશ્રધ્ધાના ઓઠા હેઠળ માસૂમ બાળકો પર અત્યાચારની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી વધી રહી હોવાને લઇ તંત્ર પણ ચિંતામાં મૂકાયું છે ત્યારે આ સમગ્ર કિસ્સાની ગંભીર નોંધ લઇ રાજય મહિલા બાળ આયોગ પણ હરકતમાં આવ્યું હતું અને બાળકીને ડામ અપાવાના કેસમાં સમગ્ર તપાસ અહેવાલ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી માંગ્યો છે. ગરમ ચીપીયાથી ડામ અપાયા બાદ ઉલ્ટાનું બાળકીની તબિયત લથડતાં તેને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. આ બનાવની વિગતો એવી છે કે, બનાસકાંઠા જિલ્લાના લાખણીના ગણાતા ગામમાં એક ગરીબ પરિવારની ૭ માસની બાળકી બીમાર થઇ હતી. જો કે, બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાના બદલે પરિવાર અસાસણ ગામના ભૂવા પાસે પહોંચ્યો હતો. જ્યાં ભૂવાએ બાળકીની સારવાર કરવાના બહાને ગરમ ચીપીયાથી આ માસૂમને ડામ આપ્યા હતા. ભૂવાએ માસૂમ બાળકીને પેટના ભાગ પર ચીપીયાના ડામ આપ્યા હતા. ડામ આપવાથી પણ બાળકીના સ્વાસ્થ્યમાં સુધારો તો થયો નહી પરંતુ ઉલ્ટાની બાળકીની તબિયત વધુ લથડી હતી. જેથી પરિવાર બાળકીને લઇને હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકીને વધુ સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બીજીબાજુ, માસૂમ બાળકીને ગરમ ચીપીયાથી ડામની ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખુદ રાજયના મહિલા અને બાળ વિકાસ આયોગે સમગ્ર મામલાની ગંભીર નોંધ લઇ આ પ્રકરણમાં વિગતવાર અહેવાલ સ્થાનિક સત્તાધીશો પાસેથી માંગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ આ પ્રકારનો અંધશ્રદ્ધાનો આવો જ એક કિસ્સો બનાસકાંઠાના વાવમાં બન્યો હતો. જ્યાં બીમાર બાળકને ડામ આપવામાં આવ્યા હતા. જેના કારણે બાળકનું મોત નીપજ્યું હતું. બાળક બીમાર પડે ત્યારે હોસ્પિટલ લઇ જવાના બદલે ભૂવાઓ પાસે લઇ જવાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે બાળકોનાજીવ જોખમમા મૂકાઈ રહ્યાં છે, ત્યારે હવે રાજય સરકાર દ્વારા આ મામલે કોઇ નીતિ કે કાયદો અમલમાં લાવવામાં આવે તેવી પણ માંગણી જોરશોરથી ઉઠી રહી છે.

(9:21 pm IST)