Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સ્થૂળતા કેન્સર રોગને પણ નોતરી શકે છે : અહેવાલ

સ્થૂળતા ધરાવતા દેશમાં ભારત ત્રીજુ

અમદાવાદ,તા. ૧૦  : ભારતમાં અગાઉ લેપ્રોસ્કોપિક સર્જરી એક માત્ર વિકલ્પ મનાતી હતી,  પરંતુ હવે તેનું સ્થાન હવે ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટ્રિક પ્રોસીજર્સ (જીબીપી) એ લીધું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનાં અહેવાલ અનુસાર વિશ્વમાં ભારત ત્રીજા નંબરનો સૌથી વધુ સ્થૂળતા ધરાવેતો દેશ છે. જીબીપીમાં ઓવર સ્ટિચ અને પોઝ-ર સર્જરી એમ બે પધ્ધતિઓ દ્વારા સ્થૂળકાય વ્યકિતની હોજરીનું કદ અંદરથી સ્ટેપલ કરીને ઘટાડી શકાય છે. સ્થૂળતા માત્ર આખા શરીરને જ અસર કરતી નથી, પરંતુ કેન્સરને પણ નોતરી શકે છે. ત્યારે જીબીપી પધ્ધતિ એટલી કારગત અને અસરકારક છે કે, તેમાં કોઇ કાપા મૂકવા નથી કે ટાંકા લેવા પડતા નથી અને ગણતરીના કલાકોમાં દર્દીને ઘેર રજા આપી દેવાય છે અને તે રૂટીન જીવન જીવવા સક્ષમ હોય છે. ભારતભરમાં સૌપ્રથમવાર અમદાવાદ શહેરમાં યોજાયેલા ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટ્રિક પ્રોસીજર્સ વિષય પર યોજાયેલી નેશનલ કોન્ફરન્સ અને લાઇવ વર્કશોપમાં ભાજપના સાંસદ ડો.કિરીટ સોલંકી, ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટ્રિક સર્જરી ક્ષેત્રના નિષ્ણાત તજજ્ઞ પ્રો. ગોન્ટ્રાન્ડ લોપેઝ-નાવા, ડો. રૂપેશ મહેતા અને ડો. સંજય રાજપુત સહિતના મહાનુભાવો યોજાયા હતા. ભારતમાં અને એ પણ અમદાવાદમાં સૌપ્રથમવાર યોજાયેલી આ ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટ્રિક પ્રોસીજર્સ અંગેની નેશનલ કોન્ફરન્સમાં ભારતભરમાંથી આશરે ૬૦૦થી વધારે તબીબી સર્જનો ભાગ લેવા આવ્યા હતા અને તેમણે જીબીપીની જીવંત સર્જરીને નિહાળી હતી. જીબીપી પધ્ધતિના ખૂબ ઝડપી, અસરકારક અને બહુ લાભકારી પરિણામો જોઇ ઉપસ્થિત મહાનુભાવો પણ આશ્ચર્યચકિત અને પ્રભાવિત થયા હતા. દરમ્યાન ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટ્રિક સર્જરી ક્ષેત્રના નિષ્ણાત તજજ્ઞ પ્રો.ગોન્ટ્રાન્ડ લોપેઝ-નાવા, ડો. રૂપેશ મહેતા અને ડો. સંજય રાજપુતે જણાવ્યું હતું કે, સ્થૂળતા તે ભારતની ઝડપથી વધી રહેલી સમસ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનાં અહેવાલ અનુસાર વિશ્વમાં ભારત ત્રીજા નંબરનો સૌથી વધુ સ્થૂળતા ધરાવેતો દેશ છે.

(9:16 pm IST)