Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ઊંઝા એપીએમસીમાં આશા પટેલની વિકાસ પેનલની જીત

ખેડૂત-વેપારી પેનલ પર વિકાસ પેનલનો કબજો : પુત્ર ગૌરાંગ પટેલની હારની સાથે સહકારી માંધાતા નારણ લલ્લુના ૩૩ વર્ષના એકહથ્થુ શાસનનો અંત આવી ગયો

અમદાવાદ, તા.૧૦  : એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ એવા ઊંઝા એપીએમસીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભાજપમાં તાજેતરમાં જોડાઇને કમળના પ્રતિક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ડો. આશા પટેલ સમર્થિક વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો હતો. આજે જાહેર થયેલા પરિણામોમાં સહકારી માંધાતા નારણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલની વિશ્વાસ પેનલની હાર થઇ હતી. પુત્ર ગૌરાંગ પટેલની હાર સાથે જ છેલ્લા ૩૩ વર્ષથી ચાલતા એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે. ઊંઝાના ધારાસભ્ય ડો. આશા પટેલ સર્મથિત વિકાસ પેનલે ખેડૂત અને વેપારી એમ બંને પર કબજો જમાવ્યો હતો. આશા પટેલના સમર્થકો અને વિકાસ પેનલના ઉમેદવારોએ જીત બાદ ફટાકડા ફોડી, આતશબાજી કરી રેલી-સરઘસ કાઢી વિજયોત્સવ મનાવ્યો હતો. આ સાથે જ ઉત્તર ગુજરાતમાં સહકારી ક્ષેત્રનું મોટુ માથું ગણાતાં નારણ લલ્લુના છેલ્લા ૧૯૮૬થી ચાલતા શાસન પર વિરામ મૂકાયું હતું. વિકાસ પેનલના દિનેશ પટેલે વેપારી અને ખેડૂત એ બંને જગ્યાએ જીત મેળવી હતી. પોતે ધારાસભ્ય રહ્યા તેવા સમયે પણ તેમણે માર્કેટ યાર્ડની ધૂરા પોતાના હાથમાં રાખી હતી. જ્યારે તેમનો સિતારો ચાંદ પર હતો ત્યારે પુત્ર ગૌરાંગને ઊંઝા યાર્ડના ચેરમેન બનાવીને પોતાનું શાસન જાળવી રાખ્યું હતું. ઊંઝા યાર્ડ પર ક્યારેય ન આથમનાર સૂરજ કહેવાતા નારણ લલ્લુ પટેલનું રાજ પત્તાના મહેલની માફક ધરાશાયી થયું હતું. ઊંઝા માર્કેટ યાર્ડ પર ૧૩ વર્ષ નારણ લલ્લુ અને ૮ વર્ષ તેમના પુત્ર ગૌરાંગ પટેલ ચેરમેન રહ્યા હતા. જ્યારે નારણ લલ્લુના સમર્થકોએ ૧૧ વર્ષ સુધી યાર્ડ પર કબજો રાખ્યો હતો. સૂત્રોની જાણકારી મુજબ, નારણ કાકાનું રાજકારણ ગુજરાતના ઊંચા ગજાના રાજકારણીએ પતાવ્યું છે. તેમની ચાલથી ડો. આશા પટેલે ભાજપમાં એન્ટ્રી કરી હતી. તેમની એન્ટ્રી સાથે જ નારણ લલ્લુની યાર્ડ પરનો એકાધિકાર પૂરો થવાની ધારણાઓ સાચી પડી છે. વિધાનસભાની પેટા ચૂંટણી ટાણે પણ ભાજપે નારણ પટેલનું પત્તુ કાપી આશા પટેલ પર વિશ્વાસ જતાવી તેમને ટિકિટ આપી હતી અને આશા પટેલ ભાજપની આશા પર ખરા ઉતર્યા હતા ત્યારે હવે આશા પટેલે ભાજપને ઊંઝા એપીએમસી  સત્તા કબ્જે કરી બતાવી તેમની સ્થાનિક સત્તાની તાકાતનો પરચો કરાવ્યો છે તે જોતાં આગામી દિવસમાં ભાજપમાં આશા પટેલનું કદ વધશે તે નક્કી છે.

ઊંઝા યાર્ડનો રસપ્રદ ઇતિહાસ

ઊંઝા એ જીરા માટે દુનિયાભરમાં જાણીતું છે

અમદાવાદ, તા.૧૦  : એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ એવા ઊંઝા એપીએમસીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભાજપમાં તાજેતરમાં જોડાઇને કમળના પ્રતિક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ડો. આશા પટેલ સમર્થિક વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો હતો.

ઊંઝા યાર્ડનો રસપ્રદ ઇતિહાસ

         ઊંઝા એપીએમસીનો રસપ્રદ ઇતિહાસ જોઇએ તો, તા.૨૩ ઓક્ટોબર, ૧૯૫૩ (૧૯૫૪-૫૫)માં ખેત ઉત્પાદનોના ખરીદ-વેચાણ માટે ઊંઝા માર્કેટ યાર્ડની સ્થાપના કરાઈ હતી. ૧૯૩૯ના બોમ્બે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ એક્ટ અંતર્ગત તેની સ્થાપના કરાઈ હતી. જેમાં ઊંઝાના ૨૬ ગામડાઓ માટે તેને પ્રમુખ માર્કેટમાં આવરી લેવાયા હતા. ઊંઝા યાર્ડ ૩૦૦ કિમીના ઘેરામાં આવતા વિસ્તારોમાંથી જેમાં રાજસ્થાનના ખેડૂતો પણ પોતાના ઉત્પાદનોના વેચાણ માટે આવે છે.

ઊંઝા એ જીરા માટે દુનિયાભરમાં જાણીતું છે

         ઊંઝા જીરાના ખરીદ-વેચાણ માટે દુનિયાભરમાં જાણીતું છે. અહીં ૨૭ ખેત ઉત્પાદનોનું ખરીદવેચાણ કરવામાં આવે છે તેમાં તે પ્રમુખ છે. ઉપરાંત ઈસબગુલ, વરયાણી, સરસાવ, રાયડો, તલ, મગફળી, અસાળીયો, રાજગરો, મગ, અડદ, ચણા, તૂવેર, ગુવાર, ઘઉં, જુવાર, કપાસ, ફળ અને શાકભાજી, સહિતનું ખરીદ વેચાણ થાય છે. અહીં ૮૦૦ બિઝનેશ ગ્રુપ છે. જે ભારત અને વિશ્વના ૧૫૦૦ સેન્ટરોમાં જીરું. વરીયાળી, તૈલીબિયાં, ઈસબગુલનું વેચાણ કરે છે.  એશિયાખંડના સૌથી મોટા અને આર્થિક રીતે સમૃદ્ધ ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા હાંસલ કરવા ભાજપના જ બે જૂથો પૂર્વ ચેરમેન ગૌરાંગ પટેલ અને ધારાસભ્ય ડો.આશાબેન પટેલ જૂથના દિનેશ પટેલ મેદાનમાં હતા. ખેડૂત વિભાગની આઠ બેઠકો પર ૧૬ અને વેપારી વિભાગની ચાર બેઠકો પર સાત ઉમેદવારો મેદાનમાં હતા. જો કે, આશા પટેલ સમર્થિક વિકાસ પેનલે ગૌરાંગ પટેલની વિશ્વાસ પેનલના કાંગરા ખેરવી કાઢયા હતા.

(9:20 pm IST)