Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ભરૂચના વાલિયા ગામે બોર મોટરનું વીજ કનેક્શન કાપી પાણી પુરવઠો બંધ કરી પરેશાન કરતા અજાણ્યા શખ્સો

વારંવારના કૃત્યથી આખરે ગ્રામજનોએ પોલીસનો સહારો લેવાની ફરજ પડી

ભરૂચ તાલુકાના વાલિયા ગામના ગ્રામ પંચાયતના બોર મોટરના વીજ કનેક્શનને અજાણ્યા શખ્સો દ્વારા વારંવાર કાપી નાખવામાં આવે છે. આ વીજ કનેક્શન કાપી નાંખવાથી પાણી પુરવઠો પણ અનિયમિત થઈ જવાની લોકોએ ગ્રામ પંચાયત કચેરીમાં ફરિયાદ કરી હતી.

  વારંવાર આ પ્રકારના કૃત્યથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. જેનાથી આખરે ગ્રામજનોએ પોલીસનો સહારો લેવાની ફરજ પડી હતી. ત્રસ્ત ગ્રામજનોએ વાલિયા પોલીસ મથકમાં પોતાને આ પ્રકારની હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદ કરી હતી.

   ભરૂચના વાલિયા ગામ વિસ્તારની હદમાં આવેલ મહિલા કોલેજ નજીક અનીલ ભગતની વાડી પાછળ વાલિયા ગ્રામ પંચાયતના પાણી માટેના બે બોર મુકવામાં આવ્યા છે. જ્યાં છેલ્લા કેટલાક દિવસથી અજાણ્યા શખ્સો દ્વારા આ બોરના વીજ જોડાણના કનેક્શન અને ફ્યુઝ કાઢી નાખવામાં આવે છે. જેને પગલે ગામમાં અપાતો પાણી પુરવઠો અનિયમિત થઈ જાય છે. આ પ્રકારે ગ્રામજનોને હેરાન કરવામાં આવી રહ્યું હોવાનું સરપંચ ગોરધન વસાવાના ધ્યાન પર આવ્યું હતું. તો વારંવાર વીજ કનેક્શન કાપી હેરાન થતાં ગ્રામજનોએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ વાલિયા પોલીસ મથકે અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી

(8:22 pm IST)