Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

FCIમાં નોકરી અપાવવાના બહાને ૩૭ લાખની છેતરપિંડી

ત્રણ જણાંએ હોટલ માલિકને ચુનો લગાડયો : શખ્સોએ એફસીઆઇના સહીસિક્કાવાળા એપોઇન્ટમેન્ટ લેટર પણ આપ્યા : નરોડા પોલીસ મથકમાં ફરિયાદ થઇ

અમદાવાદ,તા.૧૧ : ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એફસીઆઇ)માં નોકરી અપાવવાના બહાને ત્રણ શખ્સો દ્વારા એક હોટલમાલિકને રૂ.૩૭ લાખનો ચુનો લગાડાયો હોવા અંગેની ફરિયાદ નરોડા પોલીસમથકમાં નોંધાવા પામી છે. નરોડા વિસ્તારમાં આવેલ નંદનવન ડુપ્લેક્સમાં રહેતા અને શામળાજીમાં હોટલ ધરાવતા પ્રદીપસિંહ વાઘેલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પ્રદીપસિંહ દ્વારા ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે, પ્રદીપસિંહનો પિતરાઇભાઇ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમના ઘરે તારીખ ર૩ ડિસેમ્બર, ર૦૧૬ના રોજ આવ્યો હતો અને એફસીઆઇ (ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)માં સારી ઓળખાણ હોવાથી નોકરી મળી જશે તેવી વાત કરી હતી. થોડાક દિવસો બાદ એફસીઆઇમાં નોકરી અપાવવાનો દાવો કરનાર કલ્પેશભાઇ શેઠ, તેમની પત્ની કાજલ અને અન્ય ધર્મેન્દ્રસિંહ પ્રદીપસિંહના ઘરે આવ્યા હતા. તેમણે પ્રદીપસિંહને એફસીઆઇમાં નોકરી મળી જશે, જેના માટે ૧૮.પ૦ લાખ રૂપિયાનો ખર્ચ થશે, જે રૂપિયા સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં ડિપોઝિટ પેટે જમા થશે, નોકરી મળી ગયા પછી તમામ રૂપિયા પરત મળી જશે તેમ કહી મીઠી વાતોમાં તેમને ભોળવ્યા હતા. પ્રદીપસિંહ અને તેમના મિત્ર વર્ધમાનસિંહને નોકરીની જરૂર હોવાથી કલ્પેશભાઇ તેમજ તેમની પત્ની અને પિતરાઇભાઇની વાત પર વિશ્વાસ કરીને તેમણે રૂ. ૩૭ લાખ જેટલી માતબર રકમ ટુકડે ટુકડે કલ્પેશભાઇને આપ્યા હતા. રૂપિયા આપી દીધા બાદ તા.૧ એપ્રિલ, ર૦૧૭ના રોજ કલ્પેશભાઇએ એફસીઆઇના સહીસિક્કાવાળા એપોઇન્ટમેન્ટ લેટર આપ્યા હતા અને પ્રદીપસિંહને ઘોડા કેમ્પ ખાતે અને વર્ધમાનસિંહને ગાંધીનગર ખાતે નોકરી મળશે તેવું જણાવ્યું હતું. એપોઇન્ટમેન્ટ લેટર આપ્યા બાદ બન્ને જણાને ટ્રેનિંગ માટે પટણા અને બિહાર જવાનું પણ કલ્પેશભાઇએ કહ્યું હતું. બન્ને જણાં પટણા રેલવે સ્ટેશન પર ઊતર્યા ત્યારે ત્યાં હરીશ નામની વ્યકિત પ્લેટફોર્મ પર મળી હતી, જ્યાં તમારે ટ્રેનિંગ કરવાની જરૂર નથી તેમ કહીને બન્ને જણાને અમદાવાદ પરત મોકલી દીધા હતા. અમદાવાદ આવ્યા બાદ બન્ને જણાને એક મહિના સુધી નોકરી નહીં મળતાં પ્રદીપસિંહે કલ્પેશભાઇ પાસે રૂપિયા પરત માગ્યા હતા. રૂપિયા નહી હોવાથી કલ્પેશભાઇએ ૧ર લાખ રૂપિયાના ચેક આપ્યા હતા, જે બાઉન્સ થતાં અંતે પ્રદીપસિંહે નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ-પત્ની કલ્પેશભાઇ શેઠ અને કાજલ અને પિતરાઇભાઇ ધર્મેન્દ્રભાઇ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(9:23 pm IST)