Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

દાતાએ અંબાજી મંદિરમાં દાન કરેલું એક કિલો સોનું

આદ્યશકિતપીઠ અંબાજીમાં ૫૮ ફુટનો શિખરનો ભાગ સુવર્ણમય બનાવવાનું કામ પૂર્ણ : હવે બે ફુટ કામ બાકી : મંદિરના શિખરને સુવર્ણયમ બનાવવા દાન

અમદાવાદ, તા.૧૧ : શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ અંબાજી શક્તિપીઠમાં વર્ષે દહાડે માઈ ભક્તોનું ઘોડાપુર ઊમટતુ હોય છે આ મંદિર પર ૩૫૮ સુવર્ણ કળશ લાગેલા હોઈ આ મંદિર ૫૧ શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે જાણીતુ બન્યું છે. આ મંદિર ઉપર શિખર સુવર્ણમય બનાવવા માટે ૨૦૧૧માં મંદિર ટ્રસ્ટ તરફથી સુવર્ણ દાનની સ્કીમ શરૂ કરવામાં આવી હતી. આજે આ સ્કીમ પૂર્ણતાના આરે હોઈ રાજસ્થાનના સિરોહીના એક દાનવીર દાતા દ્વારા એક કિલો સોનુ શિખર સુવર્ણમય બનાવવા માટે સુપ્રસિધ્ધ અંબાજી માતાજીના મંદિરમાં દાન કરવામાં આવ્યું હતું. દાનવીરના આ અનોખા દાનનો ફાળો જાણી અન્ય માઇભકતોમાં ભારે ખુશી અને સરાહનાની લાગણી પ્રસરી ગઇ હતી. રાજસ્થાનના સિરોહી શહેરના દાનવીર અને આદર્શ ફાઉન્ડેશનના ઓનર મીનાક્ષીબેન અને તેમના પતિ દ્વારા મુકેશભાઈ મોદી દ્વારા આજે અંબાજી મંદિરમાં આવી એક કિલો સોનાનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. દાનવીર માંઇભકતોએ માં અંબાજીના દર્શન કર્યા હતા અને સોનાનું એક કિલો વજન ધરાવતુ બિસ્કીટ દાનમાં ભેટ સ્વરૂપે અર્પણ કર્યું હતું. સને ૨૦૧૧માં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી સુવર્ણ દાનની સ્કીમ અન્વયે ૬૦ ફુટ શિખરનો ભાગ સુવર્ણમય કરવા માટેની યોજના શરૂ કરાઈ હતી જે પૈકી ૫૮ ફુટ જેટલુ કામ પૂર્ણ થઇ ગયું છે અને માત્ર ૨ ફુટ જેટલું કામ બાકી રહ્યુ છે. આ ૫૮ ફુટ શિખર સુવર્ણમય બનાવવા માટે ૧૨૫ કિલો સોનાનો વપરાશ થયો છે અને હજી પણ માઈ ભક્તો દ્વારા સુવર્ણ દાનનો પ્રવાહ અવિરવપણે ચાલુ છે ત્યારે આજે રાજસ્થાનના સિરોહીના વતની આ દાનવીર દાતા દ્વારા એક કિલો સોનુ દાન કરવામાં આવતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ દાનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. અંબાજી માતાજીના પરમભકત અને દાતા મુકેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે,"અમે આજે મારા પરીવાર સાથે અંબાજી આવી એક કિલો સોનાનું દાન કર્યુ છે અને આગળ ભવિષ્યમાં પણ એક કિલો સોનુ માતાજીના ચરણોમાં દાન આપીશ એવી મારી ઇચ્છા છે."

(9:23 pm IST)