Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

આણંદ નજીક નાપાડની યુવતીનો ફોટો સોશિયલ મીડિયામાં મૂકી બદનામ કરનાર નરાધમ વિરુદ્ધ ફરિયાદ

આણંદ: નજીક આવેલા નાપાડવાંટા ગામે રહેતી એક યુવતીનો લગ્નપ્રસંગે પડાવેલો ગ્રૃપ ફોટો મેળવીને તેને ક્રોપ કરી એક યુવક સાથે સજોડે મોર્ફ કરીને ફેસબુક મુકી બદનામ કરવામાં આવતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર નાપાડવાંટા ગામે રહેતા એક વ્યક્તિની પુત્રીનો ફોટો મોઈન મલેક નામના યુવકના ફેસબુક એકાઉન્ટ ઉપર મોઈન પઠાણ સાથે ફેસબુક અપલોડ થતાં જ તેઓએ આ અંગે તપાસ હાથ ઘરી હતી. જેમાં મોઈને એવું જણાવ્યું હતુ કે પીરભડીયાદ ગયો હતો ત્યારે મોબાઈલ ફોન ખોવાઈ ગયેલો હતે તેણે પોતાનું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતુ અને વાપરતો હતો પરંતુ હાલમાં તે વાપરતો નથી. જેથી વધુ તપાસ કરતાં ભત્રીજાના લગ્નપ્રસંગમાં યુવતીએ પોતાની બહેનપણીઓ સાથે ગ્રૃપ ફોટો પડાવ્યો હતો જે ફોટો મોહસીન રાઠોડે મેળવીને હનીફ ઉર્ફે ઈરફાન રણજીત રાઠોડને આપ્યો હતો અને તેણે ફોટો ક્રોપ કરીને મોઈન મલેકના ફેસબુક એકાઉન્ટ ઉપર અપલોડ કર્યો હતો. 
તેની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતુ કે, એક મહિના પહેલાં યુવતીના ભાઈએ તેને શક રાખીને માર માર્યો હતો જેનો બદલો લેવાના ભાગરૂપે તેણે આ કૃત્ય કર્યું હોવાની કબુલાત કરી હતી જેથી આ અંગે આણંદ રૂરલ પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને બન્નેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:34 pm IST)