Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

શેલ્બી લિમિટેડ અને બર્કલી હેલ્થ એજયુકેશન પ્રા.લિ. દ્વારા એમઓયુ કરાયુ

 અમદાવાદઃ અમદાવાદ ખાતે મુખ્ય મથક ધરાવતી શેલ્બી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ્સની ફલેગશીપ કંપની શેલ્બી લિમિટેડ દ્વારા બર્કલી એજ્યુકેશન પ્રા.લિમિટેડ સાથે એક સમજૂતીપત્ર (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ- એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. બર્કલી એજ્યુકેશન પ્રા.લિમિટેડ, 'બર્કલી હેલ્થએડ્યુ' તરીકે વધુ જાણીતી છે, જે હેલ્થકેર સેકટરમાં કેટલાક શૈક્ષિણક કાર્યક્રમો કરવા માટે ડાબર ગ્રુપના પ્રમોટરની એક પહેલ છે. શેલ્બી અને બર્કલીના આ કરાર હેઠળ ડોકટર, નર્સો અને પેરામેડિકલ સ્ટાફ જેવા આરોગ્યસંભાળ વ્યવસાયીઓના લાભ માટે ૩ મહિનાથી ૧ વર્ષ સુધીના વિવિધ તાલીમ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમો શેલ્બી અને બર્કલી દ્વારા સંયુકત રીતે પ્રમાણિત કરવામાં આવશે.

આ અંગે શેલ્બી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર ડો.વિક્રમ આઈ. શાહે જણાવ્યું હતું કે મેડિસિનના ઝડપી બદલાતા ક્ષેત્રમાં, કુશળતા સતત સુધારવાની જરૂર છે. શેલ્બી અને બર્કલી હેલ્થએડ્યુ વચ્ચેની આ સમજૂતી, સહભાગી લોકોને દેશનાં વિવિધ રાજયોમાં ફેલાયેલી શેલ્બી હોસ્પિટલ્સની અદ્યતન સુવિધાઓમાં પ્રશિક્ષણ મેળવવા માટે એક નક્કર પ્લેટફોર્મ ઓફર કરશે. આ સમજૂતી હેઠળ અમદાવાદ, સુરત, વાપી, જયપુર, જબલપુર, ઈન્દોર, મોહાલી અને મુંબઈ ખાતેનાં કેન્દ્રોમાં તાલીમ કાર્યક્રમો આપવામાં આવશે. આ કાર્યક્રમો શેલ્બી લિમિટેડની હેલ્થકેર એજ્યુકેશન પહેલ એકેડમીના બેનર હેઠળ હાથ ધરવામાં આવશે. બર્કલી હેલ્થએડ્યુનાં ચીફ એકિઝકયુટિવ સૌમ્ય કાન્તિએ જણાવ્યું હતું કે જે હેલ્થકેર પ્રોવાઈડર્સ અને હેલ્થકેર એકસપર્ટ્સ સાથે નજીકથી કામ કરીને કિલનિકલ અને નોન- કિલનિકલ ક્ષેત્રોમાં ડોકટરો, નર્સો અને સંલગ્ન હેલ્થકેર પ્રોફેશનલ્સને તેમના જ્ઞાન અને કુશળતાને સુધારવા માટે શ્રેષ્ઠ તાલીમ આપે છે.

(3:49 pm IST)