Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠામાં થયેલ વરસાદ

અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી : ઉત્તર ગુજરાતમાં લોકોને ગરમીથી રાહત : અમદાવાદમાં હજુ ૧૭મી સુધી વરસાદ પડવા માટેની શકયતા નહીવત્

અમદાવાદ,તા.૧૧ : છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના હવામાનમાં આવેલા પલ્ટા બાદ અમદાવાદ શહેર સહિત રાજયના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ અને ગમે ત્યારે વરસાદના આગમનની રાહ જોવાઇ રહી છે ત્યારે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મેઘરાજાએ જાણે માં અંબાજીના ચરણો પખાળ્યા હોય તેવી લાગણી માંઇભકતોએ અનુભવી હતી. અંબાજીમાં આજે ભારે ઠંડા પવન સાથે પડેલા વરસાદના કારણે સ્થાનિક માર્ગો અને વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. અંબાજીમાં પડેલા વરસાદને લઇ સમગ્ર પંથકમાં ભારે ખુશી અને હાશકારાની લાગણી ફેલાઇ ગઇ હતી. તો, પંથકના ખેડૂતોએ મેઘરાજાના આગમનના વધામણાં કર્યા હતા. બીજીબાજુ, આજે ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા સહિતના જિલ્લાઓ અને પંથકોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડતાં લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા.  દેશના દક્ષિણ- પશ્ચિમ ભાગમાં એક દિવસ પહેલા ચોમાસાનું આગમન થઈ ગયું છે. આજે અંબાજીમાં વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઇ હતી. ઠંડો પવન ફુંકાવાની સાથે વરસેલા જોરદાર વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં પાણી-પાણી ભરાઇ ગયા હતા. અંબાજી મંદિરના મુખ્ય માર્ગ અને વિસ્તાર સહિતના બજાર અને અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. રોડ-રસ્તાઓ ભીના થતાં અને ભારે ઝાપટા સાથે વરસાદ વરસતાં સમગ્ર પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો સ્થાનિક પ્રજાજનોએ ઉનાળાની ગરમી અને ઉકળાટ-બફારાથી રાહત મેળવી હતી. ઘણા દિવસોની રાહ જોયા બાદ આજે મેઘરાજાએ વર્ષા કરતાં લોકોએ ભારે હાશકારો અનુભવ્યો હતો. ખેડૂતોમાં તો મેઘરાજાની પધરામણીને પગલે ભારે ખુશીની લાગણી છવાઇ ગઇ હતી, તેઓએ તો ચોમાસાની સીઝનના પહેલા વરસાદ એટલે કે, મેઘરાજાના રીતસરના વધામણાં કર્યા હતા. બીજીબાજુ, આજે ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા સહિતના જિલ્લાઓ અને પંથકોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડતાં લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાઓને પગલે વાતાવરણ ઠંડકમય અને આહ્લાદક બની ગયું હતું. દરમ્યાન  અમદાવાદ શહેર સહિત રાજયના ઘણા ભાગોમાં વાદળછાયુ વાતાવરણ અને ઠંડો પવન ફુંકાવાની પ્રિ-મોન્સુન એકટીવીટી જોવા મળી રહી છે પરંતુ મેઘરાજાની પધરામણી વિધિવત્ રીતે નહી થતાં આ વિસ્તારોના પ્રજાજનો વ્યાકુળ અને આતુર બન્યા છે. બીજીબાજુ, હવામાન ખાતાએ તા.૧૪મી જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી કરી છે તો, અમદાવાદ શહેરમાં તા.૧૭મી જૂન સુધી વરસાદ પડવાની શકયતા નહીવત્ હોવાની આગાહી કરાઇ છે. હવામાન વિભાગ તરફથી પણ હળવા વરસાદી ઝાપટા માટેની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાંમહત્તમ તાપમાન ૪૦.૬ ડિગ્રી રહ્યું હતું. સૌથી વધુ ગરમીનો અનુભવ ભાવનગરમાં થયો હતો જ્યાં પારો ૪૧.૨ ડિગ્રી રહ્યો હતો. આવતીકાલે અમદાવાદમાં આંશિક વાદળછાયુ વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સુધી રહે તેવી શક્યતા છે જ્યારે આગામી બે ત્રણ દિવસ વેળા સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં પારો ૪૦થી ૪૨ ડિગ્રી રહી શકે છે.

ગુજરાતમાં તાપમાન

સ્થળ.......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ..................................................... ૪૦.૬

ડિસા............................................................. ૪૦.૪

ગાંધીનગર.................................................... ૪૦.૧

ઇડર.................................................................... -

વીવીનગર.................................................... ૪૦.૭

વડોદરા......................................................... ૩૯.૪

સુરત................................................................ ૩૫

વલસાડ........................................................ ૩૫.૯

અમરેલી........................................................ ૩૮.૭

ભાવનગર..................................................... ૪૧.૨

રાજકોટ......................................................... ૩૯.૮

સુરેન્દ્રનગર.................................................... ૪૦.૭

ભુજ.............................................................. ૩૭.૪

નલિયા.......................................................... ૩૫.૪

કંડલા એરપોર્ટ................................................ ૩૯.૬

કંડલા પોર્ટ..................................................... ૩૬.૮

(8:08 pm IST)