Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

વેકેશન પુરૂં થતાં જ સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો : વાલીઓમાં રોષ

પેટ્રોલ - ડીઝલના વધતા ભાવ જવાબદાર : વધુ ભાડુ છતાં બાળકોની સુરક્ષાની ગેરંટી નહિ

અમદાવાદ તા. ૧૧ : સ્કૂલ વાન અને રિક્ષા ડ્રાઈવર અસોસિએશને સ્કૂલો ખુલવાના એક દિવસ પહેલા જ સમગ્ર રાજયમાં વાન અને રિક્ષાના ભાડામાં વધારો જાહેર કર્યો છે. સ્કૂલ રિક્ષાના ભાડામાં ૫૦ રૂપિયા અને સ્કૂલ વાનના ભાડામાં ૧૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉનાળા વેકેશન દરમિયાન પણ બે મહિનાનું ભાડું ચૂકવતા વાલીઓએ આ વધારો અન્યાયી ગણાવ્યો અને કહ્યું કે, રૂપિયા ચૂકવ્યા પછી પણ બાળકોની સુરક્ષાની કોઈ ખાતરી નથી મળતી.

અમદાવાદ સ્કૂલ વર્ધી અસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે કહ્યું કે, 'બે વર્ષ પછી સ્કૂલ વાનના ભાડમાં વધારો કરવામાં આવ્યો છે. જેનું મુખ્ય કારણ છે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, મેન્ટેનન્સ પાછળનો ખર્ચો, ઈન્શ્યોરંસ ચાર્જ, જીવન નિર્વાહ ખર્ચ, ડ્રાઈવર્સનો પગાર અને સરકારના આદેશ પ્રમાણે જરૂરી એવા સ્પીડ કંટ્રોલર ઈન્સ્ટોલ કરવાનો ખર્ચ. આ તમામ ખર્ચને ધ્યાનમાં રાખીને જ ભાડું વધારવામાં આવે છે. જયારે કોઈ ઘટના ઘટે છે ત્યારે સરકાર વળતર ચૂકવે છે પરંતુ જો અન્ય કોઈ લાભ કે વીમાના પ્રીમિયમમાં છૂટ આપે તો અમે સારી રીતે કામ કરી શકીએ.'

અસોસિએશન દ્વારા છેલ્લે ૨૦૧૬માં ભાવ વધારવામાં આવ્યા હતા. અમદાવાદ સ્કૂલ વર્ધી અસોસિએશનમાં ૬,૫૦૦થી વધારે સ્કૂલ રિક્ષાચાલક અને ૫,૫૦૦ સ્કૂલ વાન ડ્રાઈવર્સ સભ્યો છે. નીરજ અગ્રવાલનો પુત્ર મહારાજા અગ્રસેન અને દીકરી સહજાનંદ સ્કૂલમાં ભણે છે. અગ્રવાલે જણાવ્યું કે, 'આ લોકો દર વર્ષે ભાવ વધારે જ છે. મારા દીકરાની સ્કૂલ ઘરથી ૪ કિમીના અંતરે જ છે, તેના માટે મે ગયા વર્ષે સ્કૂલ વાનના ૧૧૦૦ રૂપિયા આપ્યા હતા. એક તરફ સ્કૂલ ફી કમર તોડી નાખે છે ત્યારે બીજી તરફ વાનના ભાવ વધતાં મુશ્કેલી વધી છે.'

નીરજ અગ્રવાલે ઉમેર્યું કે, 'ઉનાળા વેકેશનમાં પણ વાનવાળા બે મહિનાનું ભાડું વસૂલે છે. નક્કી કરાયેલી મર્યાદા ૮ બાળકોની હોવા છતાં તેઓ વાનમાં ૧૨ બાળકોને બેસાડીને લઈ જાય છે. ઉપરથી બાળકની સુરક્ષાની તો ખાતરી નથી આપતા.' દિવ્યપથ સ્કૂલના વાલી ધવલ જાનીએ કહ્યું કે, 'પેરેન્ટ્સ પાસે તેમના પર લાદવામાં આવતો ભાવ વધારો સ્વીકારવા સિવાય કોઈ રસ્તો નથી. આ એક પ્રકારની ધાક ધમકી છે કારણ કે તેઓ જાણે છે કે પેરેન્ટ્સ સ્વીકારી જ લેશે. અને નિયમ કરતાં વધારે બાળકોને બેસાડીને કાયદો પણ તોડે છે.'(૨૧.૧૦)

(12:40 pm IST)