Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સની લિયોનને પણ અન્ય અભિનેત્રીઓની જેમ માન મળવું જોઇએ : હાર્દિક પટેલ

પત્રકારોની વાતચીતમાં ભાજપને 'સત્તાની લાલચી પાર્ટી' કહી

અમદાવાદ તા. ૧૧ : ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલનું માનવું છે કે પોર્ન સ્ટારથી બોલિવૂડમાં અભિનેત્રી બનેલી સની લિયોનને પણ ફિલ્મી પડદા પર એવી જ રીતે જોવી જોઈએ કે જેવી રીતે આપણે નર્ગિસ, શ્રીદેવી અને માધુરી દીક્ષિત જેવી ફેમસ અભિનેત્રીઓને જોઈએ છીએ.

હાર્દિક પટેલે પત્રકારોને કહ્યું, 'જો આપણે સની લિયોનને ફિલ્મી પડદા પર એ જ નજરથી જોઈએ, કે જેવી રીતે આપણે નર્ગિસ, શ્રીદેવી અને માધુરી દીક્ષિતને જોઈએ છીએ. તેમાં આપણને સમસ્યા શું છે? આપણે સની લિયોનને ફિલ્મી પડદા પર ખરાબ નજરથી જોવી ન જોઈએ.'

તેમણે કહ્યું, 'જો આપણા વિચાર એવા હોય કે સની લિયોનને આપણે તેની જૂની છબિથી જ જોવા માંગીએ છીએ, તો આ દેશ કયારેય નહી બદલાય શકે' ૨૪ વર્ષીય હાર્દિક પટેલે કહ્યું કે બોલિવૂડમાં પોતાનો પગ મુકી ચુકેલી પૂર્વ પોર્ન સ્ટાર ઈચ્છે છે કે તેને પણ અન્ય અભિનેત્રીઓની જેમ જ સમ્માન મળવું જોઈએ.

ભાજપને 'સત્તાની લાલચી પાર્ટી' કહેતા હાર્દિક પટેલે આશંકા વ્યકિત કરી કે જો નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૯માં ચૂંટણી જીતીને બીજી વખત પ્રધાનમંત્રી બનશે, તો આ પછી દેશમાં બીજી વખત ચૂંટણી કયારેય નહીં થાય.

જો કે, જયારે તેને પૂછવામાં આવ્યું કે આ આશંકા પાછળ શું કારણ છે. તો તેના જવાબમાં હાર્દિક પટેલે કહ્યું કે, 'જેવી રીતે કર્ણાટક વિધાનસભા ચૂંટણીઓ બાદ રાજયપાલે કોંગ્રેસ અને જેડીએસના બહુમતવાળા ગઠબંધન પહેલા ભાજપ વિધાયક દળના નેતા બીએસ યેદિયુરપ્પાને સરકાર બનાવવાનો મોકો આપ્યો હતો. જે જોતા લાગે છે કે દેશના સંવિધાનને ખતમ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.'(૨૧.૯)

(10:15 am IST)