Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

નોકરીના બહાને રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના લોકો સાથે ઠગાઇ : ટોળકી પકડાઇ

રાજકોટ તા. ૧૧ : રાજયમાં નોકરી મેળવવા માટે લોકો ઓન લાઇન અનેક જગ્યાએ પોતાના ફોર્મ ભરતા હોય છે અને આવા લોકોના ટેડા મેળવી ઠગ ટોળકીઓ તેમની પાસે ઠગાઇ આચરતી હોવાનુ બહાર આવ્યુ છે. આજ રીતે એક નોઇડામાં કોલ સેન્ટર ચલાવતી ઠગ ટોળકીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડી પાડી છે. આ ટોળકી નોઇડામાં કોલ સેન્ટર ચલાવતી અને રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના લોકોની સાથે ઠગાઇ આચરતી હોવાનુ બહાર આવ્યુ છે. આ કોલસેન્ટર ચલાવતા આઠ શખસોને ક્રાઇમ બ્રાંચે પકડી પાડયા છે. આ ટોળકી સાથે ઓનલાઇન કંપનીમાં નોકરી કરતા રીલેશન મેનેજરની ઠગો સાથે સંડોવણી બહાર આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

ઘાટલોડિયાની પીન્કી મોદી નોકરીની શોધમા હતી દરમિયાનમાં તેના પર કોલ આવ્યો અને મેર માય ટ્રીપમાં નોકરી આપવાની લાલચ આપી ૧.૨૪ લાખ પડાવી લીધા હતા. આ અંગે સાઇબર ક્રાઇમમાં ઠગાઇની ફરિયાદ નોંધાતા સાઇબરની ટીમે તપાસ હાથ ધરી હતી.

જેમાં આ ચોકકસ એક ટોળકી નોઇડા અને દિલ્હીમાં બેઠી બેઠી ઠગાઇ કરતી હોવાનુ પ્રકાશમાં આવતા ક્રાઇમની ટીમે નોઇડા જઇ કોલ સેન્ટર પકડી પાડયુ હતુ. જેમાં કોલ સેન્ટરના ત્રણ માલિક શશી શ્રીરામ મિશ્રા(રહે.નોઇડા), બીટેક ભણેલો કૈલાશ રામચંદ્ર ઠાકુર (રહે.પૂર્વ દિલ્હી) અને બીસીએ ભણેલો કુલદીપકુમાર સિંગ (રહે.નોઇડા)ની ધરપકડ કરી છે. વધુમાં સુરેશ શ્રીકાંત મિશ્રા(રહે. દિલ્હી), રામદીનસિંગ સરનમસિંગ યાદવ (રહે.યુપી), વિનય શ્યામસુંદર ઝા(રહે. નોઇડા) અને પવન સુબોધ શર્મા(રહે. દિલ્હી) તથા ઓનલાઇન કંપનીમાં રીલેશન મેનેજર તરીકે નોકરી કરતા પ્રકાશ હરીશચંદ્ર ભટ્ટ(રહે. યુુપી)ની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી પાસેથી પોલીસે ૨૧ મોબાઇલ, ૭ લેપટોપ, ૨૨ ડેબીટ અને ક્રેડીટ કાર્ડ, રાઉટર સહિત ૧.૬૭ લાખનો મુદ્દામાલ પકડી પાડયો છે. આ કોલ સેન્ટરોમા સ્પેશિયલ સ્ક્રીપ્ટ આપવામાં આવે છે તેના દ્વારા લોકોને સમજાવી ઠગવામાં આવે છે. ૧ રુપિયામાં એક વ્યકિતનો બાયોડેટા મેળવી તેમને કોલ કરી ઠગાઇ આચરવામાં આવે છે. ગુજરાતના ૨૦ જેટલા લોકો સાથે ઠગાઇ આચરી હોવાનું અખબારોમાં પ્રસિધ્ધ થયું છે.

શું સાવચેતી રાખશો ?

પ્રોસેસિંગ ફી જેવો કોઇ ચાર્જ હોતો નથી, ટેકસ કે જીએસટી જેવા કે અન્ય કોઇ ચાર્જ ચુકવવાના હોતા નથી. ફીઝીકલ ઇન્ટરવ્યુ હોય છે તે જ સમયે ઓફિસની તમામ પ્રોસેસ પૂર્ણ કરવાની હોય છે. આવા કોઇ ચાર્જ કે અન્ય કોઇ પ્રોસેસીંગ ફી ભરવાનુ કહે તો સામેની ટોળકી ઠગ હોવાનુ મનાઇ શકાય છે અથવા તો સામેની કંપનીની તમામ વિગતો તપાસી તેની મુલાકાત લઇ જ આગળ ડોકયુમેન્ટની કાર્યવાહી કરવી જોઇએ તેમ ક્રાઇમ બ્રાંચના અધિક નાયબ પોલીસ કમિશનર ડો. રાજદીપસિંગ ઝાલાએ જણાવ્યુ હતુ.(૨૧.૮)

(10:14 am IST)