Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

આંશિક લોકડાઉન સંપૂર્ણ હટાવી રાત્રિ કરફ્યુનો સમય રાત્રે 10 થી સવારે 6 સુધીનો કરવા મુખ્યમંત્રીને રજૂઆત

ફૂડની હોમ ડીલીવરી રાત્રે 12 સુધીની મંજૂરી આપો :ધંધાકીય ઉપયોગમાં લેવાતી મિલકતોને ટેક્ષમાંથી માફી તથા વીજ બિલમાં રાહત આપવાની માંગણી ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએસીએમને લખ્યો પત્ર

અમદાવાદ :ગુજરાતમાં કોરોનાના કહેરના કારણે પ્રજાની સલામતિ અને સુરક્ષા માટે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ કરફયુ સહિતની આવશ્યક ચીજવસ્તુઓને છૂટછાટ આપતાં નિર્ણયને 20મી તારીખ સુદી લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઇને ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખાણીપીણીની હોમ ડિલેવરી માટેની છૂટ આપવા સહિત ધંધાકીય ઉપયોગમાં લેવાતી મિલકતોને ટેક્ષમાંથી માફી આપવા તથા વીજ બિલમાં રાહત આપવાની માંગણી કરી છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતના વેપારીઓ કોરોનાની બીજી લહેરના સંક્રમણને રોકવાના રાજ્ય સરકારના પ્રયાસોમાં વેપાર-ધંધા બંધ રાખી વેપારી સમાજ દ્વારા અભૂતપૂર્વ સહકાર આપ્યો છે. પરંતુ હાલની જે વ્યવસ્થા છે તેમાં ગંભીરતાથી પુન વિચાર કરવાની આવશ્યકતા છે. વેપારી વર્ગને હાલમાં ભોગવવી પડતી આર્થિક – સામાજિક મુશ્કેલીઓ માટે રાજ્ય સરકાર તરફની કોઈ જ વિચારણા કરવામાં આવતી નથી એ ખૂબ જ દુઃખદ હકીકત છે.

સમગ્ર રાજયના નાના મોટા વેપારીઓ અને સ્વરોજગાર મેળવનારા ધંધાર્થીઓની પરિસ્થિતિ તરફ સરકારે તાત્કાલિક સહાનુભૂતિ પૂર્વક વિચારવાની અને તેમને આજીવિકા માટે મદદ કરવાની યોજના તૈયાર કરવાની અગ્રીમતા આપવા વિનંતી છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, અત્યારે કોરોના રાજ્યમાં કાબુમાં આવી રહેલ છે ત્યારે વધુમાં વધુ રોજગારી આપતા ખાણીપીણીના ધંધાર્થીઓને વેપાર રોજગાર ફરીથી પૂર્વવત થાય તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે. આ વ્યવસાય સાથે જોડાયેલા આનુષાંગિક વેપાર પણ પ્રભાવિત થાય છે તેમાં સકારાત્મક વાતાવરણ થશે. ઓછામાં ઓછું મહારાષ્ટ્રમાં જે રીતે ખાદ્ય ખોરાકની હોમ ડીલીવરી આપવાની છૂટની નીતિનો અમલ ગુજરાતમાં તાત્કાલિક અસરથી કરવો જોઈએ.

આંશિક લોકડાઉન સંપૂર્ણ રીતે દૂર કરીને રાત્રિ કરફ્યુનો સમય રાત્રે 10 થી સવારે 6 સુધીનો કરી ફૂડની હોમ ડીલીવરી રાત્રે 12 સુધીની મંજૂરી આપવી જોઇએ. કોઈપણ સંજોગોમાં સરકાર નિયમન માટે વિચારે તો બજારોમાં જે રીતના હાલના નિયત્રંણો છે તે હળવા કરી તમામ સ્તરના વેપારનો સમયગાળો ઓછામાં ઓછા 6 કલાકનો બેન્કિંગ વ્યવસ્થા મુજબ 10 થી 2 વાગ્યા સુધીનો કરવો જોઈએ.

આમ કરવાથી ઉત્પાદન થતી દરેક આઈટમોનો વેપાર થશે અને નાણાંનો પ્રવાહ ચાલુ થશે. હાલમાં ઉત્પાદન થાય છે પરંતુ દુકાનો બંધ હોવાથી માલનો ભરાવો થઈ રહેલ છે. લગ્નસરાની સિઝન હોવાથી દુકાનમાં જે વસ્તુઓનો સ્ટોક પડયો છે તે અને ઉત્સવને આનુસંગિક અન્ય ધંધાર્થીઓ માટે પણ રોજગારી મળતી ચાલુ થશે.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું છે કે, નાના વેપારીઓને નકારાત્મક અસરથી બચાવવા માટે એવી વ્યૂહરચના થવી જોઈએ કે આર્થિક ગતિવિધિઓ ચાલુ રહે અને સંક્રમણ પણ બેકાબુ ના થાય. વેપારીઓ પૂર્ણ સમયનો ધંધો નથી કરી શકતા ત્યારે તેમની ધંધાકીય ઉપયોગમાં લેવાતી મિલકતો જેવી કે દુકાન-ગોડાઉન-ઓફિસ ઉપર લાગતા બધાજ ટેક્ષની છેલ્લા 1 વર્ષની રકમમાં માફી મળવી જોઇએ અને વીજળીના બિલમાં પણ રાહત મળવી જોઈએ.

કાયદાની અમલવારીમાં નિયમન જરૂરી છે પરંતું કાયદાઓ મનસ્વી રીતે હાથમાં લઈ ખોટા અર્થઘટનથી પ્રજાને અને વેપારીઓ હેરાન પરેશાન ના થાય તે મુજબથી માનવતા ભરેલા જવાબદાર અભિગમ પોલીસ ખાતું ફિલ્ડમાં રાખે તેવી સૂચના આપવા વિનંતી કરી છે. આ વખતે પરિસ્થિતિ ગંભીર છે. અને દરેક રીતે વેપારી સમાજ સરકાર સાથે જ્યાં અને જે રીતની મદદની શકયતા હોય તે રીતે મદદ માટે તૈયાર છે .

(12:21 am IST)