Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કોઈપણ કોરોના વોરિયર્સને નજર અંદાજ કરવો યોગ્ય નથી : સી.પી.એસ. પી.જી. રેસિડન્ટ ડોક્ટર્સે સરકારને લખ્યો પત્ર

સ્ટાયપેન્ડ, ઇન્સેટીવ, સ્પેશિયલઇઝેશન વર્ક તેમજ લઈને ડોકટરો માટે મેડીકલ કોલેજના રેસિડન્સી ડોકટરોના નિયમોમાં આવરી લેવા રજુઆત :સરકારને સોનેરી સૂચનો પણ કર્યા

અમદાવાદ : સી.પી.એસ. પી.જી. રેસિડન્ટ ડોક્ટર્સે સરકારને એક પત્ર લખીને પોતાનો દુ:ખ વ્યક્ત કર્યો છે. તે ઉપરાંત તેમને આ પત્રમાં તેમના વિષયને લગતા મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા છે, જેના પર સરકારે ધ્યાન આપવું જરૂરી છે. તો બીજી તરફ તેમના સાથે થઈ રહેલા અન્યાયને પણ તેમને ખૂલ્લા મને સરકાર સામે મૂક્યા છે. કોરોનાકાળની વિકટ પરિસ્થિતિમાં કોઈપણ કોરોના વોરિયર્સને નજર અંદાજ કરવો યોગ્ય નથી. તેવામાં ગામડાઓમાં રહીને લોકોની સેવા કરતાં પ્રથમ પંક્તિના કોરોના વોરિયર્સની વાત સરકારે સાંભળવી રહી.

સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતાં સી.પી.એસ. રેસિડન્ટ ડોકટરોને સ્ટાયપેન્ડ, ઇન્સેટીવ, સ્પેશિયલઇઝેશન વર્ક તેમજ લઈને ડોકટરો માટે મેડીકલ કોલેજના રેસિડન્સી ડોકટરોના નિયમોમાં આવરી લેવા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

સી.પી.એસ. પી.જી. રેસિડન્ટ ડોક્ટર્સે પત્ર લખીને સરકારને રજૂઆત કરતાં જણાવ્યું છે કે, ગુજરાત રાજય સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત કોલેજ ઓફ ફિઝિશ્યન એન્ડ સર્જન મુંબઈ દ્વારા સંચાલિત પી.જી. ડિપ્લોમા કોર્ષ અંતર્ગત કાર્યરત સરકારી ડીસ્ટ્રીકટ, સબ ડીસ્ટ્રીકટ, સી.એચ.સી. તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોકટરો તરીકે ફરજ બજાવીએ છીએ, હાલ માં કોરોના કાળ માં દેશ જયારે કપરી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યો છે ત્યારે કોવિડ હોસ્પિટલોમાં અમો અમારા રેસીડેન્સી વર્ક ઉપરાંત કોરોના દર્દીઓની સારવાર અર્થે અમારા જીવના જોખમે વધારા ની ડયુટી કરીએ છીએ. અંતરિયાળ વિસ્તારમાંથી આવતા દર્દીઓની સારવાર કરી અમો પણ દેશની સેવામાં ફાળો આપીએ છીએ એ વાતનું અમોને ગર્વ છે.

પત્રમાં જણાવ્યું કે, અમોને માસિક સ્ટાયપેન્ડ માત્ર 25000 રૂપિયા આપવામાં આવે છે, અને એ પણ અમો એ ચૂકવેલ ફી માંથી આપવામાં આવતું હોય છે, જે અન્ય કોઈ પણ અનુસ્નાતક શાખામાં આપવામાં આવતા સ્ટાયપેન્ડ કરતા ઘણું ઓછું છે. સી.પી. એસ કોર્ષ શરૂ થવાને લીધે અને ગામડાઓના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં ચોવીસ કલાક અને સાતેય દિવસ ડોકટરો મળવાને લીધે ખાસ કરીને માતા તથા બાળ દર્દીઓને સેવા મળી રહે છે અને જેથી ગુજરાત રાજયના માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો થવામાં અમારો પણ સિંહ ફાળો છે. જેથી અમારી કામગીરીના પ્રોત્સાહન ના ભાગરૂપે અમારું સ્ટાયપેન્ડ વધારવામાં આવે.

તે ઉપરાંત કોરોના કાળની આ મહામારીમાં સરકારે તમામ મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતા પી.જી. રેસિડન્ટ ડોકટર્સના સ્ટાયપેન્ડ માં માસિક 40 ટકા નો વધારો કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, પરંતુ તેમાં અમારો કયાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેમજ અમારા કાર્યની નોંધ લેવામાં આવી નથી, જેથી હતોત્સાહ અને અસમાનતા ની લાગણી ઉભી થઇ છે. અમે પણ ખંતથી અંતરિયાળ વિસ્તારમાંથી આવતા કોરોના દર્દીઓની સારવાર કરીએ છીએ. તેથી અમારા કામની પણ નોંધ લઇ અમને કોવીડ હોસ્પિટલમાં આપતી ડયુટી માટે અલગથી ઇન્સેટિવ આપવામાં આવે.

સી.પી.એસ. ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ સી.પી.એસ. ડોકટરોને સરકાર દ્વારા ૧ વર્ષ માટે બોન્ડ સમયગાળા અંતર્ગત મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવવામાં આવે છે, જેથી સ્પેશિયલઇઝેશનના કામથી વિમુખ થઈ જઈએ છીએ અને 2 વર્ષ નો પી.જી. અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોવા છતાં નિષ્ણાત તરીકેની સેવા આમ જનતાને આપી શકતા નથી અને અભ્યાસક્રમનો સદુપયોગ કરી શકતા નથી, જેથી અમારી માંગ છે કે, ડિપ્લોમા પી જી. અભ્યાસક્રમ બાદ 1 વર્ષના પોસ્ટિંગ દરમિયાન ફકત સ્પેશિયલઇઝેશનનું કામ સોંપવામાં આવે, મેડિકલ ઓફિસર તરીકેનું કામ ન સોંપવામાં આવે, જેથી આમ જનતાને નિષ્ણાત તરીકેની સેવાનો લાભ આપી શકીએ. ઉપરાંત સરકારને સી.એમ. સેતુ યોજના તેમજ અન્ય યોજના અંતર્ગત નિષ્ણાત ડોકટરોની નિમણુક કરવાની જરૂર ન રહે અને સરકારી ખર્ચનું ભારણ ઘટે અને સરકારી હોસ્પિટલો માં નિષ્ણાત ડોકટર તરીકે ની સેવા પણ મળી રહે.

(11:33 pm IST)