Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

સાસરી પક્ષ તરફથી ત્રાસ આપતા મહિલાની ફરિયાદ

અમદાવાદના શાહપુર વિસ્તારની ઘટના : બાળક મારુ નથી અને તું બાથરૂમમાં જઈને બીજા સાથે વાતો કરે છે તેવો આક્ષેપ કરીને પતિ ત્રાસ આપતો હતો

અમદાવાદ,તા.૧૧ :  અમદાવાદ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદ તેની સાસુ તેને કાળી છે તેમ કહી ત્રાસ આપતા હતા. જ્યારે સસરા તેણીમાં ભૂત છે તેમ કહી તેને ત્રાસ આપતા હતા. યુવતીને ગર્ભ રહેતો ન હતો ત્યારે તેના માતા-પિતાએ દવા કરાવી હતી અને તેને ગર્ભ રહ્યો હતો.

છતાં તેનો પતિ તેના પર આક્ષેપ કરી આ બાળક તેનું ન હોવાનું કહેતો અને બાથરૂમમાં જઈને બીજા સાથે વાતો કરે છે તેમ કહીને ત્રાસ આપતો હતો. આખરે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ થઈ છે. શહેરના શાહપુર ખાતે રહેતી ૨૦ વર્ષીય યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૯માં મુસ્લિમ શરીયત પ્રમાણે કેનાલ રોડ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા.

યુવતી લગ્ન બાદ સાસરીમાં તેના પતિ, સાસુ-સસરા સાથે રહેતી હતી. લગ્ન બાદ બે દિવસ સાસરિયાઓએ તેને સારી રીતે રાખી હતી. બાદમાં યુવતીની સાસુ તેણીને અવારનવાર 'મારા દીકરાને તો તારાથી સારી છોકરી મળી જાત, તું તો કાળી છે અમને તો તારાથી વધારે દહેજ આપવા વાળી છોકરી મળતી હતી, તું ક્યાંથી મારા દીકરા સાથે આવી ગઈ છે' એવું કહી ત્રાસ આપતા હતા. એટલું જ નહીં, યુવતીના સસરા તેણીને કહેતા હતા કે તારામાં ભૂત આવે છે.

તું અમારા ઘરના લાયક નથી. યુવતી તેના પતિને આ બાબતે વાત કરે તો તેનો પતિ પણ માતા-પિતાનું ઉપરાણું લઇને તેને ગમે તેમ બોલતો હતો અને માર મારતો હતો. યુવતીને તેના સસરા કહેતા કે, 'તને તો બાળક રહેતું નથી. તું ક્યાંથી અમારા ઘરે આવી ગઈ છે?' આવું કહીને યુવતીને માનસિક-શારીરિક ત્રાસ આપતા હતા.

જ્યારે યુવતીના માતા-પિતાએ બાળક થવા માટે તેની દવા કરાવી ત્યારે યુવતીને બાળક રહ્યું હતું. યુવતી જ્યારે ગર્ભવતી થઈ ત્યારે તેણે તેના પતિને આ વાત કરતા તેના પતિએ તેની પર ખોટી શંકાઓ કરી હતી. 'તારું બીજા જોડે અફેર છે, તું બાથરૂમમાં બીજા જોડે વાત કરવા જાય છે,' તેમ કહી ત્રાસ આપ્યો હતો. આટલું જ નહીં, આ યુવતીની સાસુ અને સસરાએ પણ તેણી પર આરોપ લગાવ્યા કે, આ બાળક તેમના દીકરાનું નથી. યુવતી જ્યારે રસોડામાં કામ કરતી ત્યારે તેને ચક્કર આવ્યા હતા.

ત્યારે તેને કૂકરનું ઢાંકણું હાથમાં અડાડી દેતાં તેણીનો હાથ પણ દાઝી ગયો હતો. આટલું જ નહીં, તેના સાસરિયાઓ પ્રેગ્નેન્સીમાં દવા પણ કરાવતા ન હતા. જેથી યુવતીએ કંટાળીને તેના પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

(9:18 pm IST)
  • આસામ : મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા હિમાંતા બિસ્વા શર્મા મંદિરે પહોંચ્યા : કામાખ્યા મંદિરમાં શીશ ઝુકાવી દર્શન કર્યા : આજરોજ આસામના 15 માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે : અન્ય 13 મંત્રીઓની પણ શપથવિધિ કરાશે access_time 12:11 pm IST

  • મંગળવારે બપોરે પશ્ચિમ બંગાળના જુદા જુદા ભાગોમાં તોફાન અને ભારે વરસાદને કારણે આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અધિકારીઓએ આ માહિતી આપી. હવામાન ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું કે વીજળી પડવાથી અને કલાકે 50 કિલોમીટરની ઝડપે થયેલ ધૂળના તોફાનને કારણે કોલકાતા, ઉત્તર 24 પરગણા, નાદિયા, મુર્શીદાબાદ, બાંકુરા, પૂર્વી બર્ધમાન, પશ્ચિમ મેદનીપુર, બીરભૂમ અને પુરૂલિયા જિલ્લામાં ભારે નુકસાન થયું છે. access_time 11:57 pm IST

  • હરિયાણા પોલીસે મંગળવારે ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી પશ્ચિમ બંગાળની એક મહિલા પર બળાત્કાર કેસમાં છ આરોપીઓને નોટિસ ફટકારી છે. આ કેસમાં રચાયેલી એસઆઈટીએ ખેડૂત નેતા અને સ્વરાજ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ અને એક આરોપી મહિલાની પણ મંગળવારે સાંજ સુધી પૂછપરછ કરી હતી. આ કિસ્સામાં, સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓ આ જાતીય હુમલા અંગે અજાણ હતા. access_time 12:00 am IST