Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

આયુર્વેદિક ડોક્ટરનો ચાર દિવસમાં રિપોર્ટ નેગેટિવ

લોકો માટે પ્રેરણાદાય કિસ્સો : હકારાત્મકતા-દૃઢ ઇરાદો હોય તો કોઇપણ કાર્યની સફળતાની સંભાવના વધતી હોવાનો પોઝિટિવટીથી છલકાતો કિસ્સો

અમદાવાદ,તા.૧૧ :  સકારાત્મક્તા અને દૃઢ ઇરાદો હોય તો કોઇ પણ કાર્યની સફળતાની સંભાવના વધી જતી હોય છે. આવો જ પોઝિટિવિટીથી છલકાતો એક કિસ્સો અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ મંજુશ્રી હોસ્પિટલમાં જોવા મળ્યો, જેમાં વ્યવસાયે આર્યુવેદિક ડોક્ટર એવા માલતીબહેન બ્રહ્મભટ્ટ સારવાર અર્થે આવ્યા ત્યારે જે વોર્ડમાં દાખલ હતા તે વોર્ડમાં સતત સકારાત્મકતાનો માહોલ રહેતો.

દર્દીઓ ખુશખુશાલ રહેતા. માલતીબહેન સતત કહેતા કે હું હોસ્પિટલથી સ્મશાન નહી પરંતુ ઘરે જ જઇશ અને સાજા થઇને જ જઇશ કોરોનાથી મરવું નથી. હજુ તો જીવવું છે અને માનવસેવા કરવાની છે. માલતીબહેનના આ દૃઢ મનોબળ અને હોસ્પિટલના તબીબોની સધન સારવારના કારણે ફક્ત ચાર દિવસમાં જ માલતીબેને કોરોનાને મહાત આપી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ મંજુશ્રી હોસ્પિટલમાં સારવાર મેળવીને ઘરે પરત થયા ત્યારે તેઓએ સારવાર દરમિયાન અન્ય દર્દીઓમાં નોંધેલ બાબતો સૂચનસ્વરૂપે વ્યક્ત કરી છે. તેઓ ખાસ કરીને ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દી વિશે પ્રતિભાવ આપતા કહે છે કે, ઘણા દર્દીઓ ચહેરા પર રહેલ ઓક્સિજન માસ્ક કાઢી નાંખે છે જે હિતાવહ નથી.

કોરોનાની સારવારમાં જીવાદોરી સમાન ઓક્સિજન હાલ ખૂબ જ કિંમતી છે. જે દર્દીને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે તેઓના શરીરમાં જરૂરી માત્રા પ્રમાણેનું ઓક્સિજનો પ્રવાહ પહોંચે તે ખુબ જ જરૂરી છે. ઘણી વખત દર્દીઓ દ્વારા ઓક્સિજન સપોર્ટ ચહેરા પરથી હટાવી દેવાતા જે ઓક્સિજન શરીરમાં જવો જોઇએ તે વેડફાઇ જાય છે.

જેની અસર તેમની સારવાર અને સ્વાસ્થ્ય સ્થિતિ પર પડે છે તેવું માલતીબેને વોર્ડમાં સારવાર મેળવતી વખતે અન્ય દર્દીઓમાં નોંઘ્યું છે. માલતીબહેન બ્રહ્મભટ્ટની સંવેદનશીલતાનું ઉદાહરણ તેમની વિચારધારા થકી જોવા મળે છે. તેઓનું માનવું છે કે, મેડિકલની તેમણે મેળવેલી ડિગ્રી એવું કહે છે કે, એક જીવને સાજા કરવાના તમામ પ્રયાસ કરવા જોઇએ.

સ્વને ભૂલીને સમષ્ટિ માટે કાર્ય કરવું જોઇએ. ત્યારે સિવિલ હોસ્પિટલમાં તો જીવ બચાવવાના સેવાયજ્ઞમાં તબીબો જોડાયેલા છે. આનાથી સારો અવસર કયો હોઇ શકે એક તબીબ માટે! માલતીબેહેને ભારપૂર્વક કહ્યું કે, સિવિલ હોસ્પિટલના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ગમે તે ભોગે પોતાના જીવના જોખમમાં મૂકીને પણ દર્દીને બચાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે.

વોર્ડમાં સારવાર લેતી વખતે મેં નજરે નિહાળ્યું છે, જે પ્રશંસાને પાત્ર છે. કોરોનાના સંક્રમણ થયાના ૧૦ દિવસ બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા બાદ ક્ષણભર પણ એવું ન લાગ્યું કે સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી રહી છું. અહીંના તબીબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ શ્રેષ્ઠ પદ્ધતિથી કોવિડની સારવાર કરવા સક્ષમ છે.

(9:17 pm IST)