Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

વલસાડ જીલ્લામાં કોરોના કેસ રોકવા વહિવટી તંત્રી દ્વારા લોકહિતમાં નિર્ણયઃ લોન ઉપર વેન્ટીલેટર આપવામાં આવશે

વલસાડ: રાજ્યના અન્ય શહેર અને જિલ્લાઓની સાથે વલસાડ જિલ્લામાં પણ કોરોનાનો ગ્રાફ તેજ ગતિએ વધી રહ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં કરવા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દરેક શક્ય પ્રયાસ કરી રહ્યા છે. હવેથી વલસાડ જિલ્લામાં પણ જે ખાનગી હોસ્પિટલોએ વેન્ટિલેટરની જરૂર છે તેવી હોસ્પિટલોને સિવિલ હોસ્પિટલમાંથી લોન પર વેન્ટિલેટર આપવામાં આવશે. જેથી વેન્ટિલેટરની જરૂરિયાતવાળા ગંભીર દર્દીઓની સરળતાથી સારવાર થઇ શકે અને દર્દીના મહામૂલા  જીવને પણ બચાવી શકાય.

લોન પર વેન્ટીલેટર સ્કીમ

જિલ્લામાં વખતની કોરોનાના વેવના ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. આથી જિલ્લામાં ગંભીર દર્દીઓની સારવાર માટે જરૂરી એવા વેન્ટિલેટર ગણતરીની સંખ્યામાં ઉપલબ્ધ છે. જેને કારણે અનેક વખત ગંભીર દર્દીઓને વેન્ટિલેટરની જરૂર હોવાથી સમયસર ઉપલબ્ધ થતા હતા. આથી અનેક વખત જરૂરિયાતના સમયે ગંભીર દર્દીના પરિવારજનો મુશ્કેલીમાં મૂકાતા હતા અને દર્દીઓનો જીવ પણ જોખમમાં મૂકાતો હતો. આવી પરિસ્થિતિને પહોંચી વળવા હવે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હવે વલસાડ જિલ્લાની જે ખાનગી હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓની સારવાર માટે વેન્ટિલેટરની જરૂર હોય તેવી હોસ્પિટલોને વહીવટી તંત્ર દ્વારા લોન ઉપર વેન્ટિલેટર આપવામાં આવશે.

હોસ્પિટલો દર્દીઓ પાસેથી નહિ વસૂલી શકે વેન્ટીલેટરનો ચાર્જ

જોકે જે ખાનગી હોસ્પિટલો સિવિલ હોસ્પિટલમાંથી વેન્ટિલેટર લોન પર લેશે તે હોસ્પિટલો દર્દીઓ પાસેથી વેન્ટિલેટરનો ચાર્જ વસૂલી શકશે નહિ. ચાર્જ વસુલ્યા વિના  લોન પર લીધેલા વેન્ટિલેટરની મફત સેવા પૂરી પાડવી પડશે. સાથે હોસ્પિટલો દ્વારા નિયમોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી માટે પણ વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.

સમગ્ર વલસાડ જિલ્લામાં વેન્ટીલેટરની અછત

મહત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં મળી કુલ 78 વેન્ટિલેટરો ઉપલબ્ધ છે. આથી જિલ્લામાં વેન્ટિલેટરની જરૂરિયાતવાળા માત્ર 78 દર્દીઓને તેની સુવિધા મળી શકે તેવી પરિસ્થિતિ હતી. આથી વહીવટીતંત્ર દ્વારા રજૂઆત કરતા વલસાડ જિલ્લાને વધુ 7 વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે. જેમાંથી ધરમપુર-કપરાડા અને ભીલાડ જેવા અંતરિયાળ વિસ્તારના સરકારી દવાખાને એક એક વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે. જ્યારે બાકીના પાંચ વેન્ટિલેટરને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. જેથી જિલ્લાની જે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે વેન્ટિલેટરની જરૂર હોય તેવા દર્દીઓને અપાશે.

વેન્ટિલેટરથી સારવાર માટે જે તે ખાનગી હોસ્પિટલો વલસાડ સિવિલ હોસ્પિટલના  સિવિલ સર્જનનો સંપર્ક કરીને તેમની પાસેથી લોન ઉપર વેન્ટિલેટર મેળવી શકશે. જોકે જે હોસ્પિટલો સિવિલ હોસ્પિટલમાંથી વેન્ટિલેટર લોન પર મેળવી રહી છે તેવી હોસ્પિટલો એ જે તે દર્દીને વેન્ટિલેટરની સારવાર મફત કરવાની રહેશે. સાથે જ નિયમોનું પણ પાલન કરવું જરૂરી રહેશે.

(4:07 pm IST)