Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

બનાસકાંઠા જિલ્લામાં વિજય નહેરાએ સિદ્ધિ અપાવીઃ ૯૮ ટકા રસીકરણ

રાજકોટ, તા. ૧૧ :. ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાની જવાબદારી જેની પાસે છે તે આઈએએસ અધિકારી વિજય નહેરાએ વેકસીનેશન કાર્યમાં સિદ્ધિ અપાવી છે. અત્યાર સુધીમાં ૪૫થી વધુ ઉંમરના ૯૮ ટકા લોકોએ કોરોના વેકસીન લીધી છે. વ્યુહાત્મક આયોજનને કારણે આ સિદ્ધિ મળી છે.

હાલ સમગ્ર ગુજરાતમાં પૂરજોશમાં વેકસીનેશન ચાલી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લો ૪૫ વર્ષથી વધુના  ૯૮ ટકા લોકોના રસીકરણ સાથે દેશમાં વેકસીનેશનમાં મોખરે બન્યો છે. બનાસકાંઠા  માં ૪૫ વર્ષથી ઉપરની ૬.૧૭ લાખની વસ્તીમાં ૬.૦૪ લાખ લોકોએ વેકસીન નો પહેલો ડોઝ લઈ લીધો છે. સાથે જ જિલ્લામાં રસીકરણ કેન્દ્રો ઉપર અને ગામેગામ ફરીને કરાતાં વધુ લોકોએ રસી લીધી છે.

આ ચમત્કાર માત્ર એક જ મહિનામાં થયો છે. એક જ મહિનામાં અધિકારીઓએ વ્યૂહાત્મક આયોજન ઘડીને ૬.૧૭ લાખની વસતિ સામે ૬.૦૪ લાખ કરતાં વધુ લોકોને ઓછામાં ઓછો પહેલો ડોઝ આપી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના પ્રભાવી સચિવ વિજય નહેરા છે. જેઓ અમદાવાદના પૂર્વ કમિશનર હતા. જેમના માર્ગદર્શન હેઠળ હાલ વેકસીનેશન કાર્યક્રમ ચાલી રહ્યુ છે. બનાસકાંઠામાં રોજ ૫૦ થી ૫૫ હજાર સરેરાશ વેકસીન અપાય છે. આ લક્ષ્યાંક સાથે કામ કરતા એક જ મહિનામાં બનાસકાંઠા જિલ્લો ન માત્ર ગુજરાતમાં, પરંતુ સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબરે આવી ગયો.

સમગ્ર દેશમાં હાલ રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં ૪૫ થી વધુ વયજૂથના ૫૫ ટકા લોકોને પહેલા ડોઝની રસી અપાઇ છે. એની સામે બનાસકાંઠામાં આ લક્ષ્યાંક ૯૮ ટકા હાંસલ થયો છે.

આ માટે ગામેગામ ફરીને બનાસકાંઠાના જિલ્લાઓને જાગૃત કરવામાં આવ્યા હતા. સરળતાથી અને ઝડપથી વેકસીનેશન કામ પાર પાડવામાં આવ્યું હતું.

(3:53 pm IST)