Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

સરકારની જાહેરાત છતાં હોસ્પિટલોમાં મા-આયુષ્માન કાર્ડનો અમલ થતો નથી!

સરકારી હોસ્પિટલોના ઠેકાણાં નથી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે નાણાં નથી તો ગરીબ દર્દીઓ આખરે કયાં જાય તે સૌથી મોટો સવાલ

અમદાવાદ, તા.૧૧: ગુજરાત સરકારે ૧૫મી એપ્રિલના રોજ હાઈકોર્ટમાં સોગંદનામાં જણાવ્યું હતું કે, કોરોનાની સારવારમાં મા વાત્સલ્ય અને આયુષ્માન કાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે ગરીબ દર્દી પણ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવાર કરાવી શકશે. તેમ છતાંય દર્દીઓ સારવાર માટે ખાનગી હોસ્પિટલો જઈ શકતા નથી. કારણે કે, મા કાર્ડ અમલ જ ન હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ સોગંદનામામાં ખાતરી આપી હોવા છતાં હજુ સુધી મા કાર્ડ અને આયુષ્માન કાર્ડના માધ્યમથી દર્દીઓની સારવાર કરાતી નથી.

હાઈકોર્ટની સુઓમોટો પિટિશનમાં સરકારે ૧૫ એપ્રિલે આપેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડમાં કોરોનાની સારવારનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત સરકારે કાર્ડની મુદ્દતમાં ત્રણ મહિનાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તારીખ ૩૧-૦૩-૨૦૨૧ ના રોજ પૂરી થઈ છે તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે તારીખ ૩૦-૦૬-૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે. જેની સર્વેએ નોંધ લેવી.

કોરોના મહામારીને રાજયમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. વેપાર ધંધા વિનાના લોકોની આર્થિક પરિસ્થિતિ વધુ દયનીય બની છે. આ સંજોગોમાં ગરીબ પરિવાર કોરોનાથી સંક્રમિત થાય તો સરકારી હોસ્પિટલોના તો ઠેકાણાં જ નથી. એટલે દર્દીઓએ ના છૂટકે પ્રાઈવેટ હોસ્પિટલોમાં સારવાર લેવા મજબૂર થવું પડ્યું છે. પરંતુ પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ સારવારમાં લાખો રૂપિયાનો ખર્ચ હોવાથી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત પણ કરવામાં આવી હતી અને તે વખતે રાજય સરકારે સોગંદનામું કરીને ખાતરી આપી હતી કે, કોરોનાના દર્દી મા-આયુષ્માન કાર્ડથી મફત સારવાર લઈ શકશે.

જો કે, આ વાતને એક મહિના થવા આવ્યો તેમ છતાંય ગુજરાતમાં એક પણ હોસ્પિટલમાં તેનો અમલ ન થયો હોવાનું મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે. આમ સરકારની ઢીલી નીતિને કારણે ખાનગી હોસ્પિટલોને જાણે દર્દીઓને લૂંટવાનું મોકળું મેદાન મળ્યું છે. જણાવી દઈએ કે, ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી દીધો છે. પોઝિટિવ કેસો અને મૃત્યુઆંકે રાજય સરકારની આરોગ્ય સેવાઓ કેટલા અંશે કથળેલી છે તેનો ચિતાર રજૂ કરી દીધો છે.

(3:10 pm IST)